નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌને ચોંકાવનારો નિર્ણય કર્યો છે અને એક એવા સાંસદને લોકસભા સ્પીકર પદ માટે ચૂંટયા છે કે જેમનું નામ ચર્ચમાં ન હતું. રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલા આજે બિનહરીફ રીતે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. મંગળવારે જ તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. તેમની વિરુદ્ધ કોઈ નામાંકન દાખ કરવામાં આવ્યું નથી. તેવામાં ત્યારે જ તેમનું ચૂંટાવવું નિશ્ચિત મનાતું હતું. કોંગ્રેસ, ટીએમસી, એનડીએના તમામ પક્ષો અને અન્ય વિપક્ષી દળોએ પણ ઓમ બિરલાનું સમર્થન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો અને રાજનાથસિંહે પ્રસ્તાવનુંસમર્થન કર્યું હતું. બાદમાં અમિત શાહ, અરવિંદ સાવંત સહીત અન્ય ઘણાં સાંસદોએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો અને અન્ય સાંસદોએ તેમના નામનું સમર્થન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા બાદ ઓમ બિરલાએ સ્પીકર પદની ખુરશી સંભાળી અને ગૃહની કાર્યવાહી આગળ વધી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી પણ આ પ્રસ્તાવને ટેકો આપવામાં આવ્યો છે.
ભાજપે લોકસભા સ્પીકર માટે એનડીએમાં પોતાના સાથી પક્ષો શિવસેના, જેડીયુ, અકાલીદળની સાથે મળીને ઓમ બિરલાનું નામ આગળ વધાર્યું હતું. એનડીએના સાથીપક્ષો સિવાય બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, એઆઈએડીએમકે સહીતના પક્ષોએ ઓમ બિરલાનું સમર્થન કર્યુ હતું. તો કોંગ્રેસની બેઠકમાં પણ નક્કી થયું કે તેમના તરફથી કોઈને ઉભા રાખવામાં આવશે નહીં. તેની સાથે ઓમ બિરલાનું નિર્વિરોધ ચૂંટાવું નક્કી થઈ ગયું હતું.
મહત્વપૂર્ણ છે કે ઓમ બિરલાના પ્રસ્તાવકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સિવાય એનડીએના અન્ય નેતાઓ સામેલ હતા.
ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ છે અને બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. આના પહેલા તેઓ રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા છે. તે વખતે તમણે લીકથી હટીને ઘણી પહેલ કરી હતી. 201માં ઘણી સંસદીય સમિતિઓમાં તેઓ સામેલ હતા. તેના સિવાય તેમની પ્રબંધન ક્ષમતાઓ પણ સારી છે. મોટા નેતાઓ સાથેના તેમના સંબંધો પણ સારા છે અને તેઓ ઊર્જાવાન પણ છે. જો કે વસુંધરા રાજે સાથેના તેમના રાજકીય સંબંધો સારા નહીં હોવાનું રાજકીય વર્તુળમાં માનવામાં આવે છે.
જો રાજકીય કારકિર્દીની વાત કરીએ, તો ઓમ બિરલા 2014માં 16મી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કોટાથી સાંસદ બન્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. આ પહેલા 2003, 2008 અને 2013માં કોટાથી જ તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. આ પ્રકારે કુલ ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે.