નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે વરિષ્ઠ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી પર વેધક વાકપ્રહાર કર્યો છે. તેમણે શબાના આઝમીને ટુકડે-ટુકડે અને એવોર્ડ વાપસી ગેંગના નવા નેતા ગણાવ્યા છે. ગિરિરાજસિંહને આરોપ છે કે શબાના આઝમી કેન્દ્ર સરકારની ટીકા કરતા દેશના હિતોને ઘટાડી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે શબાના આઝમીએ કહ્યુ હતુ કે આજકાલ માહોલ એવો છે કે જો સરકારની ટીકા કરવામાં આવે, તો તમને દેશ વિરોધી ગણાવી દેવામાં આવે છે.
ભાજપના નેતાએ ટ્વિટ કરીને શબાના આઝમી પર નિશાન સાધ્યું છે. ગિરિરાજસિંહને તેમની વિવાદાસ્પદ ટીપ્પણીઓને કારણે ઓળખવામાં આવે છે. આના પહેલા પણ લઘુમતીઓને નિશાન બનાવીને કરવામાં આવેલી ટીપ્પણીઓના કારણે તેઓ ટીકાઓનો શિકાર બની ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે ટુકડે-ટુકડે ગેંગ અથવા એવોર્ડ વાપસી ગેંગનો ઉપયોગ ભાજપ અને દક્ષિણપંથી સંગઠન ડાબેરી વિચારધારાના લોકો પર નિશાન સાધવા માટે કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા ટુકડે-ટુકડે ગેંગ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
શબાના આઝમીએ કહ્યું છે કે તેઓ સરકારની ટીકા કરતા માત્ર ભાજપ સુધી જ મર્યાદીત નથી. શબાના આઝમી પ્રમાણે, જ્યારે કોંગ્રેસ સરકારમાં હતી, તો તેમણે લેખક સફદર હાશમીની 1989માં થયેલી હત્યાને લઈને કોંગ્રેસ સરકારની પણ ટીકા કરી હતી. મહત્વપૂર્ણ છે કે શબાના આઝમી પોતાના નિવેદન માટે આના પહેલા પણ દક્ષિણપંથી સોશયલ મીડિયા યૂઝર્સના નિશાન પર આવી ચુક્યા છે.
શબાના આઝમીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણા મુલ્કની અચ્છાઈ માટે જરૂરી છે કે આપણે તેની બુરાઈને પણ જણાવીએ. જો આપણે બુરાઈઓને જણાવીશું જ નહીં, તો પરિસ્થિતિમાં સુધારો કેવી રીતે લાવીશું? પરંતુ માહોલ એવી રીતનો બની રહ્યો છે કે જો તમે ખાસ કરીને સરકારની બુરાઈ કરી, તો તમને તાત્કાલિક રાષ્ટ્રવિરોધી કહી દેવામાં આવે છે. આપણે આનાથી ડરવું જોઈએ નહીં અને તેમના સર્ટિફિકેટની કોઈને જરૂરત પણ નથી.