બિહારમાં જીવલેણ ગરમીથી 183ના મોતથી હાહાકાર, 22 સુધી સરકારી સ્કૂલો બંધ, ગયામાં કલમ-144 લાગુ
પટના: બિહારમાં ભીષણ ગરમી અને લુને કારણે હાહાકારની સ્થિતિ છે. હાલત એટલી ખરાબ છે કે ગત ત્રણ દિવસોમાં આના કારણે લગભગ 183 લોકોના મોત નીપજ્યા છે. હોસ્પિટલમાં લુનો ભોગ બનેલા સેંકડો દર્દીઓ સારવાર હેઠળ છે. પટના સહીત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ છે. શિક્ષણ વિભાગે પણ આ સ્થિતિને જોતા એલાન કર્યું છે કે 22 જૂન સુધી રાજ્યની તમામ સરકારી શાળાઓને બંધ રાખવામાં આવશે. ગયામાં ગરમીને કારણે વહીવટી તંત્રે કલમ-144 લાગુ કરી છે.
બિહારમાં શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે ગરમીના કેરને જોતા તમામ સરકારી અને સહાયતા પ્રાપ્ત સ્કૂલને 22 જૂન સુધી બંધ રાખવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું છ કે રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીને ધ્યાનમાં રાખતા ઉનાળાના વેકેશન બાદ પોતાના જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક અને માધ્યમિક સ્તરની શાળાઓનું સંચાલન આવશ્યકતા પ્રમાણે 30 જૂન સુધી સવારની પાળીમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમા દિવસેને દિવસે વધી રહલે ગરમી અને લુને જો તા રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 22 જૂન સુધી બાળકોને ભણાવવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગયામાં ડીએમએ ભયંકર ગરમીની સ્થિતિ જોતા કલમ-144 લાગુ કરી છે. તેના પ્રમાણે ચારથી વધારે લોકો એક સ્થાન પર એકઠા થઈ શકશે નહીં. તેના સિવાય સવારે 11 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી તમામ પ્રકારની સરકારી અને બિનસરકારી નિર્માણ કામગીરી, મનરેગા હેઠળનું મજૂરી કામ અને ખુલ્લા સ્થાનમાં કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા લોકોના એકઠા થવા પર રોક લગાવી દેવામાં આવી છે.
બિહારમાં જીવલેણ ગરમી પોતાના ચરમ પર છે. સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે, સોમવારે નાલંદામાં છ અને ઔરંગાબાદમાં ચાર લોકોના લૂ લાગવાથી મોત થયા હતા. આ પહેલા રવિવારે લુ લાગવાથી 112થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. સૌથી વધુ મોત ઔરંગાબાદ, નવાદા, પટના, પૂર્વ બિહાર,રોહતાસ, જહાનાબાદ અને ભૌજપુર જિલ્લામાં થઈ છે. ગયા, નવાદા અને ઔરંગાબાદની હોસ્પિટલોમાં 300થી વધારે દર્દીઓને ભરતી કરાવવામાં આવ્યા છે. તેની સાથે જ નવા દર્દીઓના આવવાનો સિલસિલો ચાલુ છે. એકલા ગયામાં રવિવારે 28 લોકોના મોતના અહેવાલ છે.
લુથી મરનારા મોટાભાગના લોકોમાં 60 વર્ષથી વધુ વયનાનો સમાવેશ થાય છે. લુથી એટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે કે જેને કારણે બિહાર સરકારને હરકતમાં આવવું પડયું છે. સરકારે તમામ અસરગ્રસ્ત જિલ્લામાં દર્દીઓ માટે વધારે તબીબોની તેનાતી કરી છે. તેના સિવાય ગામડા અને શહેરોમાં પીવાના પાણી પહોંચાડવા માટે વધારાની ટેન્કર લગાવી દેવામાં આવી છે.
ડોક્ટરો પ્રમાણે, લુ પીડિતોને પહેલા બેચેની થઈ રહી છે અને બાદમાં તેઓ બેહોશ થઈ રહ્યા છે. પછી અડધાથી બે કલાકની વચ્ચે તેમના મોત થઈ જાય છે. જણાવવામાંઆવે છે કે મોતનું કારણ બ્રેનમાં ગ્લૂકોઝની અછત છે. ડ઼ોક્ટરોએ લોકોને વધારેમાં વધારે પાણીનું સેવન કરવાની સલાહ આપી છે.
આફત નિવારણ વિભાગના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું છે કે તમામ મૃતકોના પરિવારજનોને વળતરની રકમ ઉપબલ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ઔરંગાબાદમાં રવિવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્યથી લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. અહીં સોમવારે પણ ગરમીમાંથી છૂટકારાની કોઈ આશા નથી.