- નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે
- 7 મી વખત શપથ લઈને ઇતિહાસ રચશે નીતીશ કુમાર
- એનડીએની સરકાર ફરી એકવાર જીતી ચૂંટણી
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં મળેલી જીત સાથે નીતીશ કુમાર વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વખત શપથ લેશે. બિહારમાં આરજેડીને હટાવનારા અને સીએમની ખુરશી પર બેઠનાર નીતીશ કુમારે સત્તાની શક્તિ તેમના હાથમાંથી ક્યારેય સરકાવવા નથી દીધી. નીતિશ બહુમતીથી 2005 માં મુખ્યમંત્રી બન્યા,પરંતુ એ પહેલા વર્ષ 2000 માં તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે,થોડા સમય બાદ બહુમતીના અભાવને કારણે તેમની સરકાર પડી ભાંગી હતી.
નીતીશ કુમાર 2005 માં ફરી બીજેપી અને જેડીયુના વ્યાપક ચૂંટણી અભિયાનનો ચહેરો બન્યા.. આરજેડીના લાંબા શાસન અંગે લોકોમાં નારાજગીનો સીધો ફાયદો નીતિશને મળ્યો અને 24 નવેમ્બર 2005 ના રોજ તેમણે ફરી એક વખત મુખ્યમંત્રીના શપથ લીધા હતા. આ વખતે તેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. રાજ્યની જનતાએ 2010 ની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ-જેડીયુ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પછી, 26 નવેમ્બર 2010ના રોજ નીતિશે ત્રીજી વખત શપથ લીધા હતા.
2014 માં લોકસભાની ચૂંટણીમાં ખરાબ હાર બાદ નીતીશ કુમારે રાજીનામું આપ્યું હતું. ત્યારે આ તેનો નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. તેઓ તેમના જૂના ભાગીદાર ભાજપથી અલગ થઈ ગયા હતા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. નીતિશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ તે પછી 22 ફેબ્રુઆરી 2015 ના રોજ તેમણે ચોથી વખત પદના શપથ લીધા હતા.
તે જ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. દાયકાઓથી એક બીજાના હરીફ રહેલા નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એક થઇ ગયા હતા. મહાગઠબંધન હેઠળ બંનેએ મળીને એનડીએની સામે ચૂંટણી લડી હતી. બંને પક્ષોને એતિહાસિક જીત મળી હતી અને 20 નવેમ્બર 2015 ના રોજ નીતિશ કુમારે 5 મી વખત શપથ લીધા હતા.
ત્યારબાદ લગભગ બે વર્ષ પછી જ્યારે નીતીશ કુમારે આરજેડીથી અલગ થઈ ગયા ત્યારે તેઓ ભાજપમાં જોડાયા. જુના સહયોગી ફરી એકવાર સાથે થઇ ગયા હતા. પરંતુ સીએમની ખુરશી પર નીતીશની પકડ યથાવત્ રહી. 27 જુલાઈ 2017 ના રોજ છઠ્ઠી વખત તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. હવે એનડીએ ફરી એકવાર ચૂંટણી જીતી ગઈ છે. ભાજપ સામે સ્પષ્ટ રીતે જેડીયુ જુનિયર ભાગીદાર બન્યું છે. પરંતુ ભાજપ વચન પાળી રહ્યું છે. ત્યારે હવે, નીતિશ કુમાર સાતમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળશે.
જો કે આ વાત રહી માત્ર નીતિશ કુમારના રાજકીય સફર વિશેની પણ ગઈ કાલે મોડી રાત સુધી મતગણતરીનું કામ ચાલ્યું અને મોડી રાતે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બિહારમાં જો નીતિશકુમાર મુખ્યમંત્રી પદ માટેના શપથ લેશે તો તેઓ સાતમી વખત મુખ્યમંત્રી બનશે અને બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જ્યાં સુધી મુખ્યમંત્રી પદ માટે શપથ ન લેવામાં આવે ત્યાં સુધી રાજકારણ વધારે ગરમાવાની પણ શક્યતાઓ છે.
_દેવાંશી દેસાણી