મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર બુધવારે સાંજે ઈદ મુબારક કહેવા માટે શહેર કાજીના ઘરે પહોંચી ગયા હતા. સાંસદ બન્યા બાદ આ પહેલો મોકો હતો કે જ્યારે સાધ્વી પ્રજ્ઞા મુસ્લિમો વચ્ચે પહોંચ્યા હતા.
પ્રસંગ ઈદના તહેવારનો હતો. માટે સાધ્વી પોતાની સાથે મિઠાઈના બોક્સ લઈને ભોપાલના શહેર કાજી સૈયદ મુશ્તાક અલી નદવીના ઘરે પહોંચ્યા અને ઈદની મુબારકબાદ આપી હતી. શહેર કાજીનું અભિવાદન કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પરિવારના બાળકોનું પણ મોઢું મીઠું કરાવ્યું અને તેમની સાથે વાતચીત કરી હતી.
તેના પછી પરિવારની મહિલાઓ સાથે પણ સાધ્વીએ વાતચીત કરી હતી. લગભગ વીસ મિનિટ સુધી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર શહેર કાજીના ઘરે રહ્યા હતા. તે વખતે આજતક સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલા તેમના સંદર્ભે વિપક્ષી રાજકીય પાર્ટીઓ દ્વારા જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો, તેને જનતાએ નકારી દીધો છે અને હવે પીએમ મોદીના સૌનો સાથ-સૌનો વિકાસ- સૌનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે જ તેઓ અહીં આવ્યા છે.
તો શહેર કાજીએ પણ ઈદના પ્રસંગે સાધ્વીના ઘરે આવવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે ખુશીના મોકા પર તેઓ આવ્યા તે સારું પગલું છે, અને હવે તેમની સાથે મળીને ભોપાલની પ્રગતિ માટે કામ કરવાનું છે.
શહેર કાજીના ઘરેથી સાધ્વીના ગયા બાદ જ્યારે આજતકે અહીં હાજર મુસ્લિમોની સાથે વાત કરી હતી, તો તેમણે કહ્યુ હતુ કે સાધ્વીને મળીને તેમને સારું લાગ્યું. તેમણે સૌની સાથે સારી વાત કરી અને ચૂંટણી દરમિયાન જે કંઈપણ સાંભળ્યું હતું, તેમને મળીને બિલકુલ તેવું લાગ્યું નહીં.
મહત્વપૂર્ણ છે કે નાથુરામ ગોડસે પર નિવેદન મામલે સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પોતાની પાર્ટી ભાજપની અનુશાસન સમિતિને જવાબ મોકલ્યો છે. તેમણે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા ખાસો વિવાદ પેદા થયો હતો. બાદમાં પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી અંતર જાળવીને તેમનો જવાબ માંગ્યો હતો.
નોટિસનો જવાબ આપતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે હવે હું અનુશાસનમાં રહીશ, હોવું પણ જોઈએ કારણ કે પાર્ટીનું પોતાનું એક અનુશાસન છે. ગોડસેને દેશભક્ત ગણાવતા વિવાદ પર અનુશાસન સમિતિએ જવાબ માંગ્યો હતો. સાધ્વીએ દશ દિવસમાં અનુશાસન સમિતિને રિપોર્ટ આપ્યો હતો. સાધ્વી પ્રજ્ઞાના વિવાદીત નિવેદન પર વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે તેઓ મનથી તેમને ક્યારેય માફ નહીં કરી શકે. સાધ્વી પ્રજ્ઞાએ પણ કહ્યુ હતુ કે જ્યારે અવસર આવશે, તો તેઓ વડાપ્રધાનને મળશે અને ભોપાલની સમસ્યાઓના ઉકેલ માટે આગ્રહ કરશે.