બરોડામાં રહેનારા લુખ્ખા તત્વો થશે જેલભેગા, પોલીસ ખાસ સોફ્ટવેરનો કરશે ઉપયોગ
અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુનાઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પોલીસ પણ હાઈટેક બની રહી છે ત્યારે રાજ્યમાં પ્રથમ વખત આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસે આઈ ફેશિયલ રેકગનાઇઝ સોફ્ટવેર વિકસાવ્યું છે. જે સોફ્ટવેરનો પોલીસે સફળ પ્રયોગ પણ કર્યો છે. સોફ્ટવેરથી આરોપીને શોધવામાં પોલીસને મદદ મળશે.
વડોદરા પોલીસે રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આઈ ફેસિયલ રેકગનાઇઝ સોફ્ટવેરનો સફળ પ્રયોગ કર્યો છે. જે સોફ્ટવેરની મદદથી વડોદરા પોલીસ દેશભરના કુખ્યાત આરોપીઓ પર બાજ નજર રાખી શકાશે. વડોદરાના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં જો કોઈ કુખ્યાત આરોપી દેખાશે, તો તે પોલીસ કંટ્રોલ રૂમમાં લાગેલી સ્ક્રીન પર એલર્ટ આપશે. જેનાથી કંટ્રોલ રૂમમાં બેસેલા કર્મચારી જે તે પોલીસ સ્ટેશનને જાણ કરશે. જેથી આરોપીને પોલીસ સહેલાઈથી પકડી શકશે. આ સોફ્ટવેરની મદદથી પોલીસ અન્ય ગુનેગારોને ઝડપી લેવામાં સરળતા રહેશે.
વડોદરામાં 650 સીસીટીવી કેમેરા લાગેલા છે, તેમજ આગામી દિવસોમાં વધુ 1300 સીસીટીવી કેમેરા લાગશે. લગભગ 415 સીસીટીવી કેમેરા જે સંવેદનશીલ વિસ્તારોમાં લાગેલા છે તે આઈ સોફ્ટવેરથી કનેક્ટ કરાશે. સોફ્ટવેરનો વડોદરામાં સફળ પ્રયોગ થતાં આગામી દિવસોમાં રાજ્યભરમાં સોફ્ટવેરનો ઉપયોગ થશે.