સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમન ખાન દ્વારા ગુરુવારે ભાજપના સાંસદ રમા દેવીને લઈને જે ટીપ્પણી કરવામાં આવી હતી, તેના ઉપર શુક્રવારે પણ લોકસભામાં ખૂબ બબાલ થઈ હતી. લોકસભામાં ઘણી મહિલા સાંસદોએ આઝમખાનના નિવેદનની ટીકા કરી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સમક્ષ કાર્યવાહી કરવા માગણી કરી હતી. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, ટીએમસીના સાંસદ મિમી ચક્રવર્તી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહીત ઘણી મહિલા સાંસદોએ આઝમ ખાન પર એક્શનની માગણી કરી હતી.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં કહ્યું કે મારા સાત વર્ષના સંસદીય કાર્યકાળમાં કોઈ પુરુષે આવા પ્રકારની હિમાકત કરી નથી. આ મામલો માત્ર મહિલાઓ સાથે જોડાયેલો નથી, પરંતુ આખા સમજા સાથે સંકળાયેલો છે અને તેના પર કડક સંદેશ જવો જોઈએ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ છે કે ગુરુવારે આ ગૃહ શર્મસાર થયું છે અને તે આખા દેશે જોયું છે. મહિલા કોઈપણ પક્ષની હોય તે ગૃહનો વિશેષાધિકાર છે અને કોઈને મહિલાનું અપમાન કરવાનો અધિકાર નથી. આઝમખાને રાજીનામાની વાત કહીને ડ્રામા કર્યો છે.
ટીએમસીના સાંસદ મિમી ચક્રવર્તીએ પણ આઝમ ખાનના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે જ્યારે હું પહેલીવાર સંસદમાં આવી હતી, તો દરેકે ખુલ્લા દિલથી મારું સ્વાગત કર્યું હતું. પરંતુ હવે જે પ્રકારની વાત સામે આવી છે, તે બિલકુલ ખોટું છે. મિમીએ કહ્યું છે કે કોઈપણ ગૃહમાં ઉભા થઈને મહિલાની વિરુદ્ધ ખોટી ટીપ્પણી કરી શકે નહીં. તમે સ્પીકરને કહી શકો નહીં કે મારી આંખોમાં જોવો. તેમણે કહ્યુ છે કે ગૃહે એકસાથે આના પર નિર્ણય લેવો જોઈએ.
ઉત્તરપ્રદેશના સાંસદ અનુપ્રિયા પટેલે પણ આઝમખાનના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યુ છેકે ગઈકાલે નિવેદન બાદ લોકશાહીનું મંદિર જ નહીં, આખો દેશ શર્મશાર થયો છે. આપણે લોકશાહીમાં એટલી આસ્થા રાખી છીએ, તો ત્યાં આપણે કેવા પ્રિતનિધિને ચૂંટીને મોકલીએ છીએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે આવા પ્રકારના નિવેદન વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આપણે લોકો અહીં મહિલાઓ અને ચેયરનું સમ્માન કરવા માટે બેઠા છીએ.
આ તમામ સાંસદો સિવાય અમરાવતીના સાંસદ નવનીત રાણા, કનિમોઝી, સુપ્રિયા સુલેએ પણ આઝમખાનના નિવેદનની ઝાટકણી કાઢી હતી. મહત્વપૂર્ણ છે કે આના પહેલા ભાજપના સાંસદ રમા દેવી પણ આઝમખાનને માફી માંગવાની તાકીદ કરી ચુક્યા છે અને આઝમને બરખાસ્ત કરવાની પણ માગણી કરી ચુક્યા છે.