યુપીમાં ગુરુવારે મોડી સાંજે આવેલી આંધી અને વરસાદને કારણે દુર્ઘટનાઓ અને વીજળી પડવાની ઘટનાઓમાં 18 લોકોના મોત નીપજ્યા છે. જેમા મૈનપુરીમાં 6, એટા અને કાસગંજમાં 3-3 અને મુરાદાબાદ, મહોબા, હમીરપુર, ફર્રુખાબાદ, બદાયૂં અને ફર્રુખાબાદમાં એક-એક વ્યક્તિના મોત નીપજ્યા છે. દિવસભર ધોમધખતા તડકા બાદ સાંજે લગભગ સાત વાગ્યે મોસમે મિજાજ બદલ્યો હતો.
ફિરોજાબાદ, જાલૌન સહીતના ઘણાં વિસ્તારોમાં આંધી સાથે વરસાદ અને કરા પડયા હતા. ઘમાં સ્થાનો પર વીજળીના થાંભલા પડી જવાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તેનાથી લોકોને વીજળીની સાથે પાણીની તંગીની સમસ્યાનો પણ સામનો કરવો પડયો છે. આંધી-વરસાદમાં 18 લોકોના મોતની સાથે વિવિધ દુર્ઘટનાઓમાં 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે સંકટની આ ઘડીમાં રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારો સાથે છે. તેમણે જિલ્લાધિકારીઓ સાથે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
રાજસ્થાનના ચૂરુંમાં વધી રહેલા પારાને કારણે દર્દીઓની વધતી સંખ્યાને જોતા તબીબોની રજાઓને રદ્દ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલના સીએમઓ ડૉ. ગોગારામે કહ્યુ છે કે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ કોઈ જટિલ મામલો હજી સુધી સામે આવ્યો નથી. તબીબોને જરૂરી રજાની મંજૂરી છે.
ભારતીય હવામાન વિભાગે મોનસૂનના વિલંબથી કેરળ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, મોનસૂન હવે છ જૂનના સ્થાને સાતમી જૂને કેરળમાં પહોંચશે. તેના પહેલા શનિવારે ખાનગી એજન્સી સ્કાયમેટે પણ મોનસૂનના સાતમી જૂન સુધી પહોંચવાની આગાહી કરી હતી.
દિલ્હીમાં ગરમીએ ગત વર્ષ જૂનનો રેકોર્ડ તોડયો છે. 2018માં પહેલી જૂને સૌથી વધુ તાપમાન 43.1 ડિગ્રી હતું. જ્યારે ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધારે 43.9 ડિગ્રી હતું. જો કે મોડી સાંજે તેજ આંધીને કારણે થોડીક રાહત થઈ હતી. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો હતો. તેનાથી રાત્રિ થતા સુધીમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.
દિલ્હીમાં મહત્તમ તાપમાન 43.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આજે તાપમાન 44 ડિગ્રી પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવમી જૂને તાપમાન લગભગ આટલું જ રહેવાનું અનુમાન છે. 10મી જૂને હિમાલયના વિસ્તારમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દઈ રહ્યું છે. તેનાથી 10મી જૂન બાદ હળવો વરસાદ થવાની પણ સંભાવના છે. જો કે હાલ ગરમીમાંથી રાહતના કોઈ સંકેત નથી.
રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.