મુંબઈના બાંદ્રામાં આવેલા મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. આગ લાગ્યાના તાત્કાલિક બાદ ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. ઈમારતની છત પર 100થી વધુ લોકો ફસાયેલાની માહિતી છે. જો કે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તેમને ક્રેનની મદદથી ઉતરાવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ફસાયેલા લોકોમાંથી 50થી વધુને સુરક્ષિતપણે બહાર કાઢવામાં સફળથા મળી છે.
ફાયરબ્રિગેડના અધિકારીઓએ આગ બુઝાવવાની કોશિશો યુદ્ધસ્તરે શરૂ કરી છે. આ ભીષણ આગમાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
એમટીએનએલની ઈમારતના ત્રીજા અને ચોથા ફ્લોર પર આગ લાગી છે. કર્મચારીઓ મુજબ, એસીમાં શોર્ટ સર્કિટ બાદ પહેલા તેમા આગ લાગી હતી. બાદમાં આગ ફ્લોર પર ફેલાઈ ગઈ હતી. શહેરના ભીડભાડવાળા વિસ્તારને કારણે સડક પર જામ લાગી ગયો છે. પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ લોકોને ઈમારતથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ પહેલા રવિવારે મુંબઈમાં જ તાજમહલ અને ડિપ્લોમેટ હોટલ નજીક ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડ કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બે લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત પણ થયા હતા.