અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. બપોર સુધીમાં 175 ધારાસભ્યોમાંથી કુલ 150 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જેમાં ભાજપના 96 અને કોંગ્રેસના 54 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. આમ લગભગ 90 ટકા મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપને પાંચ મતોનો ફાયદો થયો છે. જેમાં એક વોટ એનસીપી, બે વોટ બીટીપીના ભાજપે મળ્યાનું માનવામાં આવે છે. જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને વોટ આપ્યા છે.
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે. તેઓ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. આજે અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં. જેનાથી રાજકારણ ગરમાયું હતું.
જોકે આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકનો તો બધા સાથે સબંધ હોય છે. જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે?
9 વાગ્યે મતદાન શરૂ થયા બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા, મખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આર.સી. ફળદુ સહિત 96 ધારાસભ્યોએ મતદાન કર્યું છે.
જ્યારે અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પણ મતદાન કર્યું છે. તેમજ કોંગ્રેસમાંથી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, પુનાજી ગામીત, નૌશાદ સોલંકી, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિત 54 ધારાસભ્યોએ મતદાન કર્યું છે.
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી બે અલગ-અલગ બેલેટમાં થઈ રહી હોવાથી ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. જેમાં ભાજપને પોતાના સંખ્યા બળ કરતા 5 મત વધુ મળશે એટલે કે 105 મત મળશે.
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે.
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.