આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજીને નામંજૂર કરી છે. આસારામે ગુજરાતના સૂરત રેપ કેસમાં જામીનની માગણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આસારામ વિરુદ્ધ સૂરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજી 10 સાક્ષીઓના નિવેદન રેકોર્ડ થવાના બાકી છે.
સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં સજા કાપી રહેલા આસારામની જામીન અરજીને નામંજૂર કરી છે. આ મામલો ગુજરાતના સૂરત રેપ કેસ સાથે જોડાયેલો છે. આ મામલામાં આસારામે જામીનની માગણી કરી હતી. જસ્ટિસ એન. વી. રામનાની ખંડપીઠમાં થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત સરકારની પેરવી કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ હતુ કે આ મામલામાં હજી સુનાવણી ચાલી રહી છે અને દશ સાક્ષીઓના નિવેદન બાકી છે.
અદાલતે આસારામની જામીન અરજીને નામંજૂર કરતા કહ્યું છે કે નીચલી અદાલત હાઈકોર્ટની ટીપ્પણીથી પ્રભાવિત થયા વગર મામલાનો નિપટારો કરે. મહત્વપૂર્ણ છે કે સૂરતની વતની બે બહેનોએ આસારામ, તેના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધાવી હતી. આ બંને બહેનોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેમને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવી હતી.
આસારામ હાલ રેપના એક મામલામાં સજા કાપી રહ્યા છે, જોધપુરની અદાલતે 2013માં 16 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ કરવાના મામલામાં આસારામને દોષિત ઠેરવ્યા છે અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ આ મામલામાં જેલમાં બંધ છે.