ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઈવીએમનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળોને એક પછી એક ટ્વિટ કરીને છ સવાલો ઉઠાવીને નિશાને લીધા છે. અમિત શાહે ટ્વિટમાં જણાવ્યું છે કે ઈવીએમનો વિરોધ દેશની જનતાના જનાદેશનો અનાદર છે. હારથી ખળભળી ઉઠેલી આ 22 પાર્ટીઓ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબીને ઝાંખી પાડી રહ્યા છે.
અમિત શાહે સવાલ કરતા કહ્યુ છે કે હું આ તમામ પાર્ટીઓને કેટલાક પ્રશ્નો પુછવા માંગુ છું.
પ્રશ્ન-1: ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવનારી આ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ ક્યારેકને ક્યારેક ઈવીએમ દ્વારા થયેલી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે. જો તેમને ઈવીએમ પર વિશ્વાસ નથી, તો આ પક્ષોએ ચૂંટણી જીતવા પર સત્તાના સૂત્રો કેમ સંભાળ્યા?
પ્રશ્ન-2: દેશની સુપ્રીમ કોર્ટે ત્રણથી વધારે પીઆઈએલને ધ્યાન પર લીધા બાદ ચૂંટણી પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપ્યું છે. જેમાના દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ વીવીપેટની ગણતરીનો આદેશ છે. તો શું તમે લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ પ્રશ્નચિન્હ લગાવી રહ્યા છો?
પ્રશ્ન-3 : મતગણતરીના માત્ર બે દિવસ પહેલા 22 વિપક્ષી દળો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનની માગણી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે, કારણ કે આવા પ્રકારનો કોઈપણ નિર્ણય તમામ પક્ષોની સર્વસંમતિ વગર શક્ય નથી.
પ્રશ્ન- 4 : વિપક્ષે ઈવીએમના વિષય પર હંગામો છ તબક્કાના મતદાનના સમાપ્ત થયા બાદથી શરૂ કર્યો છે. એક્ઝિટ પોલ બાદ તે વધારે તીવ્ર થઈ ગયો છે. એક્ઝિટ પોલ ઈવીએમના આધાર પર નહીં, પણ મતદાતાઓને પ્રશ્ન પુછીને કરવામાં આવે છે. આખરે એક્ઝિટ પોલના આધારે તમે ઈવીએમની વિશ્વસનીયતા પર કેવી રીતે સવાલ ઉઠાવી શકો છો?
પ્રશ્ન-5: ઈવીએમમાં ગડબડના વિષય પર પ્રોએક્ટિવ પગલા ઉઠાવતા ચૂંટણી પંચે જાહેરમાં પડકાર આપીને આના પ્રદર્શન માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે પડકારને કોઈપણ વિપક્ષી દળે સ્વીકાર્યો નહીં. તેના પછી ચૂંટણી પંચે ઈવીએમને વીવીપેટ સાથે જોડીને ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી. વીવીપેટ પ્રક્રિયાના આવ્યા બાદ મતદાતા મત આપ્યા બાદ જોઈ શકે છે કે તેનો મત કઈ પાર્ટીને રજિસ્ટર થયો. પ્રક્રિયાના આટલી પારદર્શક થયા બાદ તેના પર પ્રશ્ન ઉઠાવવો કેટલો યોગ્ય છે?
પ્રશ્ન- 6 : કેટલાક વિપક્ષી દળો ચૂંટણી પરિણામ અનુકૂળ નહીં આવવા પર હથિયાર ઉઠાવવા અને લોહીની નદીઓ વહેવડાવા જેવા વાંધાજનક નિવેદન અપાય રહ્યા છે. વિપક્ષ જણાવે કે આવી હિંસાત્મક અને અલોકતાંત્રિક નિવેદનબાજી દ્વારા તેઓ કોને પડકારી રહ્યા છે?
અમિત શાહે છ પ્રશ્નો ઉઠાવ્યા બાદ ટ્વિટના આખરમાં કહ્યુ છે કે ઈવીએમ પર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો માત્ર ભ્રાંતિ ફેલાવવાની કોશિશ છે. તેનાથી પ્રભાવિત થયા વગર આપણે સૌએ આપણી પ્રજાતાંત્રિક સંસ્થાઓને વધુ મજબૂત કરવાની કોશિશ કરવી જોઈએ.