નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 જૂને બુધવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જવાના છે. સૂત્રોએ આની જાણકારી આપી છે.
આના પહેલાના કાર્યક્રમ પ્રમાણે, અમિત શાહ 30મી જૂને એક દિવસ માટે કાશ્મીર ખીણની મુલાકાતે જવાના હતા.
સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય બજેટના સંદર્ભમાં ગૃહ પ્રધાનની વ્યસ્તતાને કારણે આ પ્રવાસ વહેલો કરવામાં ગોઠવવામાં આવ્ય છે. રાજ્યની મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ શ્રીનગરમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરવાના છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓ અને પંચાયતના સદસ્યોને પણ અલગ-અલગ સંબોધિત કરશે.
અમિત શાહ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરવાના છે અને તેમની સાથે રાજ્યની હાલની સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન અમિત શાહ શ્રીઅમરનાથજી તીર્થસ્થાન પર પણ પૂજા કરશે. દેશના ગૃહ પ્રધાન બન્યા બાદ તેઓ પહેલી વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ જમ્મુ અને લડાખના વિસ્તારોમાં હાલ જવાના નથી.