Site icon hindi.revoi.in

અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે તિરંગો ફરકાવે તેવી શક્યતા

Social Share

કાશ્મીરથી કલમ-370 સમાપ્ત થયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ મોટું પગલું ઉઠાવતા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જાણકારી પ્રમાણે, અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરની યાત્રા કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા બદલ અને જમ્મુ-કાશમીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહની જમ્મુ-કાશ્મીરનો પહેલો પ્રવાસ હશે.

જો કે જમ્મુ-કાશ્મીર પોલીસ મુખ્યમથકમાં તેનાત પોલીસ અધિકારીઓએ અમિત શાહની શ્રીનગર મુલાકાતને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે એનએસએ અજીત ડોભાલ જે હજી ઘાટીમાં હાજર છે, 15મી ઓગસ્ટના દિવસે લાલ ચોક પર હાજર રહે તેવી શક્યતા છે.

દિલ્હીમાં રહેલા ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, અમિત શાહની શ્રીનગર યાત્રાની શક્યતા છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યાત્રાની તારીખો સંદર્ભે હાલ મીડિયામાં જાણકારી આપી શકાય તેમ નથી.

અમિત શાહ જો શ્રીનગરના લાલચોકમાં 15મી ઓગસ્ટે તિરંગો ફરકાવે છે, તો આ એક ઐતિહાસિક મોકો હશે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1992માં જ્યારે તે ભાજપના નેતા હતા, ત્યારે તે સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા મુરલી મનોહર જોશી સાથે મળીને શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવ્યો હતો. તે સમયે પાકિસ્તાન સમર્થિત ઘણાં આતંકવાદી સંગઠનોએ તિરંગો ફરકાવાને લઈને ધમકી આપી હતી. પરંતુ ધમકીઓ છતાં નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે એકતા યાત્રાની સમાપ્તિ લાલચોક પર તિરંગો ફરકાવીને કરી હતી.

આ પહેલા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો હતો.

Exit mobile version