કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થશે અલ્પેશ ઠાકોર? ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કરી મુલાકાત
લોકસભા ચૂંટણી ભલે સમાપ્ત થઈ ચુકી હોય, પરંતુ દેશમાં રાજકીય ઉથલ-પાથલ હજી થંભી નથી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડનારા અલ્પેશ ઠાકોરે સોમવારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ અટકળબાજી થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ચૂંટણી પહેલા પણ આવી અટકળબાજી ચાલી રહી હતી. પરંતુ ત્યારે આવું કંઈ થયું ન હતું. હવે અટકળો છે કે ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર પોતાના ત્રણ-ચાર મહત્વના સાથીદારો સાથે ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. સોમવારે નીતિન પટેલની અલ્પેશ ઠાકોરની બેઠક એક કલાક ચાલી હતી. અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ઓબીસી સમુદાયના નેતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ચર્ચામાં આવેલી અલ્પેશ-જિગ્નેશ-હાર્દિકની તિકડીએ ભાજપના નાકમાં દમ કર્યો હતો. અલ્પેશ ઠાકોર હાલ ગુજરાતની રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્ય છે.
વિધાનસભા ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ લોકસભા ચૂંટણી દરમિયાન તેમના નારાજ થવાના અહેવાલ આવ્યા હતા. તેના પછી તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂટણીમાં ટિકિટ નહીં મળવાને કારણે નારાજ હતા. આ કારણ છે કે તેમના ટેકેદારો તરફથી સતત તેમના ઉપર કોંગ્રેસ છોડવાનું દબાણ બનાવાય રહ્યું હતું.