લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારના 11 દિવસ પછી ઉત્તરપ્રદેશમાં માયાવતી ભલે ગઠબંધનથી અલગ થવાના સંકેત આપી રહી છે, પરંતુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાલ આ બાબતે કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. જોકે આઝમગઢમાં પત્રકારોએ ખાસી પૂછપરછ કર્યા પછી અખિલેશ યાદવે એટલું તો કહી જ દીધું કે હવે અમે અમારા સાધન-સંસાધનો પર ચૂંટણી લડીશું.
હકીકતમાં દિલ્હીમાં ચૂંટણી પરિણામની સમીક્ષા બેઠકમાં બસપા પ્રમુખ માયાવતીએ આરોપ લગાવ્યો કે ગઠબંધનથી તેમની પાર્ટીને ફાયદાની જે અપેક્ષા હતી, તે પૂરી ન થઈ, પરિણામે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ માયાવતીએ યુપીમાં ખાલી થઈ રહેલી 11 વિધાનસભા સીટ્સ પર થનારી પેટાચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.
એક બાજુ જ્યાં દિલ્હીમાં માયાવતી ગઠબંધન તોડવાના સંકેત આપી રહી હતી ત્યારે આઝમગઢમાં અખિલેશ જીત માટે વોટર્સને ધન્યવાદ આપી રહ્યા હતા, પરંતુ ચૂંટણી પરિણામો પછી પહેલીવાર કેમેરા પર આવેલા અખિલેશ યાદવે આગળની લડાઈ માટે નવા પ્લાન પર કામ કરવાની વાત કહી. તેમણે કહ્યું કે હવે પોતાના સાધન-સંસાધનથી અમે ચૂંટણી લડીશું.
જોકે યાદવોના વોટ ટ્રાન્સફર ન થવાની માયાવતીની ટિપ્પણી પર અખિલેશ યાદવે કોઈ પ્રતિક્રિયા ન આપી. આ બાબત પત્રકારો તરફથી વારંવાર સવાલ કરનવા પર તેમણે કંઇપણ બોલવાની ના પાડી દીધી.