જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ વતની હતો.
લાહૌરી જૈશ-એ-મોહમ્મદ આતંકી જૂથમાં લોકોની ભરતી પણ કરતો હતો અને આઈઈડી બનાવવામાં પણ માહેર હતો. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના બોનબાજાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગને કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકીઓને ઠાર કર્યા બાદ અથડામણ સ્થળેથી હથિયારો અને દારૂગોળો સહીત અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ ઓપરેશન ઘણાં કલાકો સુધી ચાલ્યું. લાહૌરી સ્થાનિક યુવકોને ગેરમાર્ગે દોરીને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરતો હતો. તેવામં તેના માર્યા જવાને એક મોટી સફળતા માનવામાં આવે છે.