ભગવા આંધીમાં અખિલેશ, માયાવતી, તેજસ્વીની રાજનીતિ ધ્વસ્ત, રાજકીય અસ્તિત્વ પર ઘેરાયા સંકટના વાદળ
બેઠકોની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપી અને બિહારમા લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન બનાવનારી બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળને ચૂંટણીના પરિણામોમાં કારમી હાર ખાવી પડી છે.
જે પ્રકારે 90ના દશકમાં મંડલ આંદોલનની ધારને બુઠ્ઠી કરવા માટે ભાજપે કમંડળ આંદોલનને ગતિ આપી હતી. તેવી રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ કમંડળ-2ની એવી પટકથા લખી કે કથિત સામાજિક ન્યાયની કથિત વાતો કરનારા પક્ષોની સામે અસ્તિત્વનું સંકટ જ પેદા થઈ ગયું છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હારે એસપી, બીએસપી અને આરજેડીના રાજકીય ભવિષ્ય સામે ગંભીર સવાલો પેદા કર્યા છે. ઓબીસી, દલિતો અને મુસ્લિમોને સાધવા માટે આ પક્ષોની કથિત સામાજિક ન્યાયની અપીલ ભગવા રાષ્ટ્રવાદની આગળ ધ્વસ્ત થઈ ગઈ છે. યુપી અને બિહારના ચૂંટણી પરિણામોએ એ દર્શાવ્યું છે કે એસપી, બીએસપી અને આરજેડી ઓબીસી, દલિત અને મુસ્લિમ મત સમીકરણો બનાવવામાં અસફળ રહ્યા છે. ઓબીસી, દલિત અને મુસ્લિમ મત સમીકરણે હિંદી બેલ્ટમાં લાલુ યાદવ, મુલાયમસિંહ યાદવ, કાંશીરામ-માયાવતીને ઉભારવામાં મદદ કરી હતી.
સમયની સાથે ઓબીસી અને દલિત અલગ-અલગ જાતોમાં વહેંચાય ગયા. યાદવ મુલાયમસિંહ અને લાલુપ્રસાદના વોટર બની ગયા અને બીએસપી સાથે દલિતોમાં સામેલ જાટવ વોટરો જોડાઈ ગયા. 2019ની લોકસભા ચૂંટણી મંડળ વિરુદ્ધ કમંડળની વચ્ચે સીધા જંગનું સારું ઉદાહરણ છે. જ્યાં પછાત વર્ગની જાતિઓ એક થઈ ગઈ. મજેદાર વાત એ છે કે દલિત સંગઠન માટે મંડળ કેટેગરીમાં સામેલ થઈ ગયા, કારણ કે બીએસપી સંસ્થાપક કાંશીરામે 1980ના દશકમાં મંડળ પંચને લાગુ કરવાનો વાયદો કર્યો હતો.
બિહારમાં લાલુ યાદવની આરજેડીએ અન્ય પછાત જ્ઞાતિઓ સાથે જોડાયેલી પાર્ટીઓ જેવી કે- ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપી, મુકેશ સાહનીની વીઆઈપી સાથે ગઠબંધન કરીને ઓબીસી અનામતના ખતરના મુદ્દાને પીએમ મોદીના રાષ્ટ્રવાદના મુદ્દાની સમાંતર ઉભો કર્યો હતો. આ પક્ષો દ્વારા ગરીબોને મળનારા દશ ટકા અનામતની વિરુદ્દ પણ ખૂબ પ્રચાર કર્યો હતો. આવા પ્રકારે યુપીમાં સમાજવાદી પાર્ટીએ પોતાના ઘોર રાજકીય વિરોધી બીએસપી સાથે ગઠબંધન કરીને દલિત, ઓબીસી અને મુસ્લિમ ગઠબંધનથી ભાજપને મ્હાત આપવાનું સમીકરણ ઉભું કરવાનું સપનું જોયું હતું.
2014ની લોકસભા ચૂંટણી, 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ એસપી અને બીએસપીની 2019માં ત્રીજી હાર છે. યુપીની જેમ જ બિહારમાં 2014માં લોકસભાની ચૂંટણીમાં આરજેડીની કારમી હારનો સામનો કરવો પડયો હતો. 2015માં વિધાનસભા ચૂંટણીમાં આરજેડીનો ફરીથી ઉદભવ થયો હતો. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં લાલુ જેલમાં છે અને ત્યારે તેજસ્વી તથા તેજપ્રતાપના ઝઘડામાં અટવાયેલી આરજેડીને સુપડાં સાફ થઈ ચુક્યા છે.
આ ત્રણેય પક્ષોની અસફળતાથી ઓછામાં ઓછા નજીકના ભવિષ્યમાં હવે તેમના રાજકીય અસ્તિત્વને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. ભાજપના હિંદુત્વના નારાની સામે જ્ઞાતિવાદી પક્ષો દમ તોડી રહ્યા છે અને આ નવી વાત નથી. આ પહેલા કલ્યાણસિંહના સમયગાળામાં અયોધ્યા આંદોલન દરમિયાન પણ આવું જ થઈ ચુક્યું છે. જો કે મોદીરાજમાં એસપી-બીએસપી-આરજેડીના અસ્તિત્વ સામે ખતરો વધારે મોટો દેખાઈ રહ્યો છે. હવે તેમની સામે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ કેવી રીતે ખુદને પીએમ મોદીના રહેતા રાજકીય રીતે પ્રાસંગિક બનાવ શકે છે.
ઓબીસી યુવાવર્ગને પીએમ મોદીના વિકાસના વાયદા લોભાવી રહ્યા છે. યુપીમાં એ સાબિત પણ થઈ ગયું, જ્યાં આરએલડીના અજીતસિંહની સાથે ગઠબંધન કર્યા બાદ પણ જાટ યુવાવર્ગે મોદીને સાથ આપવાનું પસંદ કર્યું છે. એટલું જ નહીં, મંડળ પંચ સાથે જેડાયેલા આ પક્ષો પછાતોને સાથે રાખવામાં અસફળ રહ્યા છે. યુવા નેતાઓ અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પોતાના ભવિષ્ય અને રણનીતિ સંદર્ભે વિચારણા કરવી પડે તેવી સ્થિતિઓ હવે પેદા થઈ ચુકી છે.