- એરસેલ-મેક્સિસ કેસમાં પી. ચિદમ્બરમ અને કાર્તિને આગોતરા જામીન
- એક લાખ રૂપિયાના અંગત મુચરકા પર તાત્કાલિક મુક્તિનો આદેશ
એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. સીબીઆઈની વિશેષ અદાલતે ગુરુવારે કહ્યુ છે કે ધરપકડની સ્થિતિમાં ચિદમ્બરમ અને કાર્તિને એક લાખ રૂપિયાના અંગત મુચરકા પર તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. જો કે કોર્ટે ચિદમ્બરમ અને કાર્તિને સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ નહીં કરવા તથા તપાસમાં સહયોગ કરવા માટે તાકીદ કરી છે.
એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં ઈડી તરફથી પી. ચિદમ્બરમની કસ્ટડી માંગવામાં આવી હતી. આ કેસમાં સોમવારે પણ દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન ઈડીએ ચિદમ્બરમના વચગાળાના જામીનનો વિરોધ કર્યો હતો.
કોર્ટે આજના આદેશ બાદ ઈડી અને સીબીઆઈ બંને એજન્સી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને એરસેલ-મેક્સિસ કેસમાં એરેસ્ટ કરી શકશે નહીં. તો 3-30 કલાકે આઈએનએક્સ મીડિયા કેસમાં પણ પી. ચિદમ્બરમની પેશી દરમિયાન ઈડી આ મામલામાં ચિદમ્બરમની કસ્ટડી માગે તેવી શક્યતા છે. તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. કોર્ટે પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને આ જામીન કેટલીક શરતો સાથે આપ્યા છે, તેમાં તપાસ એજન્સીને સહયોગની વાત પણ સામેલ છે.
કોર્ટે પી. ચિદમ્બરમ અને કાર્તિને જામીન આપતી વખતે પોતાના આદેશમાં કહ્યુ છે કે તેઓ પુરાવા સાથે આ મામલામાં છેડછાડ કરશે નહીં. આ કેસ પણ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલો છે. 2006માં એરસેલ-મેક્સિસ ડીલને પી. ચિદમ્બરમે નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળમાં મંજૂરી આપી હતી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીની પ્રોજેક્ટ પ્રપોઝલ્સને જ મંજૂરી આપવાનો અધિકાર હતો.
મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે તેમણે આર્થિક મામલાની કેબિનેટ સમિતિની મંજૂરી લેવાની જરૂર હતી. એરસેલ-મેક્સિસ ડીલ કેસ 3500 કરોડ રૂપિયાની એફડીઆઈને મંજૂરીનો છે. આ સિવાય એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદમ્બરમે કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની મંજૂરી વગર પરવાનગી આપી હોવાનો આરોપ છે.