- તમિલનાડુ-કેરળમાં ‘નિવાર’ વાવાઝોડા બાદ ‘બુરેવી’ ચક્રવાતનો ખતરો, એલર્ટ જાહેર
- તમિલનાડુ-કેરળના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી વાવાઝોડું ‘બુરેવી’
- કેરળના 5 અને તમિલનાડુના 6 જિલ્લામાં રજા જાહેર
- હેલ્પલાઇન નંબર જારી, ઘણા એરપોર્ટ થયા બંધ
કોચી: તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત વાવાઝોડું ‘બુરેવી’નો ખતરો મંડરાય રહ્યો છે. શુક્રવારે બપોર સુધીમાં ચક્રવાતી વાવાઝોડુ ‘બુરેવી’ તિરુવનંતપુરમ કાંઠે ટકરાવાની સંભાવના છે. તિરુવનંતપુરમ, કોલ્લમ,પઠાણમથિટ્ટી, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી અને એર્નાકુલમમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રીપોર્ટ મુજબ, આ જિલ્લાઓમાં 5 ડિસેમ્બર સુધી ભારે વરસાદ શરૂ રહેશે. તિરુવનંતપુરમમાં લોકો આપાતકાલીન સ્થિતિમાં કન્ટ્રોલરૂમ નંબર 1077 પર ફોન કરીને જિલ્લા પ્રશાસન સુધી પહોંચી શકે છે. ચક્રવાત ‘બુરેવી’ને ધ્યાનમાં રાખીને તમિલનાડુના 6 જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વિરૂધુનગર,રામનાથપુરમ,તિરુનેલવેલી, તુતુકુડી,ટેંકસી અને કન્યાકુમારીનો સમાવેશ થાય છે. જો કે, અહીં આવશ્યક સેવાઓ શરૂ રહેશે. સંવેદનશીલ સ્થળોએ રહેતા પરિવારોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. ઘણા પરિવારોને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ખસેડવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે તમામ શક્ય મદદનું આપ્યું વચન
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનએ હાલની પરિસ્થિતિનું આકલન કરવા માટે કેરળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળની ટીમો તિરુવનંતપુરમ,કોલ્લમ,પઠાનમથિટ્ટા, કોટ્ટાયમ,અલાપ્પુઝા અને ઇડુક્કીમાં તૈનાત કરવામાં આવી છે,જ્યારે સંરક્ષણ દળોને આપતકાલીન સેવાઓ માટે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે મુખ્યમંત્રી વિજયનને ફોન કર્યો હતો અને રાજ્યને તમામ શક્ય સહાય આપવાનું વચન આપ્યું છે.
કેરળના 5 જીલ્લામાં રજા જાહેર
સાવચેતીના ભાગરૂપે શુક્રવારે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિલંબીત કરવામાં આવેલી સેવાઓમાં સાત ઘરેલુ ફ્લાઇટ્સ અને બે વંદે ભારત મિશનની ફ્લાઇટનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે ચક્રવાત વાવાઝોડું ‘બુરેવી’થી થનાર ખતરાને ધ્યાનમાં રાખીને શુક્રવારે તિરુવનંતપુરમ,કોલ્લમ,પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા અને ઇડુક્કી જિલ્લામાં સરકારી અને પીએસયુ કાર્યાલયો માટે રજા જાહેર કરી છે. જો કે,આ બેંકો અને ચૂંટણીમાં તૈનાત લોકો, કોવિડ -19 કટોકટીનું સંચાલન કરનારાઓને લાગુ પડશે નહીં.
_Devanshi