- કૃષિ કાયદાના વિરોધ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પણ નોંધાવ્યો વિરોધ
- પ્રકાશસિંહ બાદલે પોતાનું પદ્મવિભૂષણ સન્માન પરત કરી વિરોધ નોંધાવ્યો
- પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિને પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્વ દેશભરમાં ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનું પદ્મવિભૂષણ સન્માન પરત કર્યું છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ત્રણ પાના જેટલો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતો પર કાર્યવાહીની ટીકા કરી અને આ સાથે જ પોતાનું સન્માન પણ પરત કર્યું હતું.
Akali Dal stalwart Parkash Singh Badal returns Padma Vibhushan in protest against farm laws
— Press Trust of India (@PTI_News) December 3, 2020
પદ્મવિભૂષણ પરત કરતાં પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલે લખ્યું હતું કે હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા માટે મારી પાસે બીજું કશું નથી. હું જે પણ કઇ છું તે ખેડૂતોના કારણે છું. આવામાં જો ખેડૂતોનું અપમાન થઇ રહ્યો તો કોઇપણ પ્રકારનું સન્માન રાખવાનો કોઇ અર્થ નથી.
તેમણે વધુમાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું કે ખેડૂતો સાથે જે પ્રકારે દગો થઇ રહ્યો છે, તેનાથી ખૂબ જ દુખ થયુ છે. ખેડૂતોના આંદોલનને જે પ્રકારે ખોટી રીતે રજૂ કરાયું છે તે દર્દનાક છે. આપને જણાવી દઇએ કે અગાઉ બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો વિરોધ કરાયો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીપદથી રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતો સાથે મોટો દગો ગણાવ્યો હતો.
(સંકેત)