અમદાવાદમાં પોલીસ કર્મચારીઓમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું, એક પોલીસ સ્ટેશનના 22 કર્મચારીઓ પોઝિટિવ
અમદાવાદઃ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં હવે કોરોના વોરિયર્સ પણ ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન શહેરના ચાંદખેડા પોલીસ મથકમાં પીઆઈ સહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કુલ 976 પોલીસ કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 11 પોલીસ કર્મચારીઓના મોત નિપજ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, 872 પોલીકકર્મી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે તેમજ હાલમાં 95 એક્ટિવ કેસ છે. દરમિયાન ચાંદખેડા પોલીસ મથકમાં કોરોના વિસ્ફોટ થયો છે.
પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 21 પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તમામ પોલીસર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયગાળામાં પોલીસે કરેલા કામગીરીની સરકારે પણ નોંધ લીધી હતી. એટલું જ નહીં પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જરૂરી દવાઓ સહિતની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી.