ગીર સોમનાથમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપના બે આંચકા
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર આજે ભૂકંપના બે આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આજે આવેલા ભૂકંપના બે આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથમાં ગણતરીના કલાકોમાં જ એક પછી એક એમ બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. તાલાલા અને ગીરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 2.8 અને 1.8 જેટલી નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જો કે, સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી સતત ભૂકંપના આંચકા આવે છે. 24 કલાકના સમયમાં જ 15 જેટલા આંચકા ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ અનુભવ્યાં હતા.