- આજે કારતક પૂનમ-દેવ દિવાળીના પર્વ પર PM મોદી વારાણસીની મુલાકાતે
- પીએમ મોદીએ વારણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું કર્યું લોકાર્પણ
- કૃષિ કાનૂન પર ખેડૂતોને નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ અપાયું
નવી દિલ્હી: આજે કારતક પૂનમ અને દેવ દિવાળીના પ્રસંગે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીએ વારાણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ પછી એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કૃષિ કાનૂનની વાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાનૂનને લઇને કિસાનો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાનો માટે બનાવેલા કાયદા તેમની ભલાઇ માટે છે. જેમણે જૂના નિયમથી પોતાનો માલ વેચવો છે તેમના માટે કોઇ રોક ટોક નથી. કિસાનોને નવા વિકલ્પ પ્રાપ્ત થયા છે અને તેમને બચાવવા માટે કાનૂની સંરક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતના કૃષિ ઉત્પાદન આખી દુનિયામાં પ્રખ્યાત છે. શું કિસાનની આ મોટા માર્કેટ અને વધારે કિંમત સુધી પહોંચ ના હોવી જોઇએ? જો કોઇ જૂની સિસ્ટમથી લેણદેણ કરવાનું યોગ્ય માને છે તો તેમના પર પ્રતિબંધ ક્યાં લગાવ્યો છે? પહેલા મંડી બહાર લેણદેણ ગેરકાનૂની હતું. હવે નાનો ખેડૂત પણ મંડી બહાર થયેલા દરેક સોદા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર નીતિઓ બનાવે છે, કાનૂન-કાયદા બનાવે છે. નીતિઓ અને કાનૂનોને સમર્થન પણ મળે છે તો કેટલાક સવાલ પણ સ્વાભાવિક છે. આ લોકતંત્રનો ભાગ છે અને ભારતમાં આ જીવંત પરંપરા રહી છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલા સરકારનો કોઇ નિર્ણય જો કોઇને પસંદ ના આવે તો તેનો વિરોધ થતો હતો પણ છેલ્લા કેટલાક સમયથી અમે જોઇ રહ્યા છીએ કે હવે વિરોધનો આધાર નિર્ણય નથી પણ આશંકાઓને બનાવવામાં આવે છે.
અપ્રચારને લઇને પીએમ મોદીએ કહ્યું કે, અપ્રચાર કરવામાં આવે છે કે નિર્ણય તો ઠીક છે પરંતુ તેનાથી આગળ આમ થઇ શકે છે. જે હાલ થયું નથી તે ક્યારેય થશે પણ નહીં. તેને લઇને સમાજમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કૃષિ સુધારાના મામલામાં પણ આ જ થઇ રહ્યું છે. આ એ જ લોકો છે જેમણે દશકો સુધી ખેડૂતો સાથે સતત કપટ કરી છે.
(સંકેત)