- થોડાક સમય પહેલા કેવડિયાની મુલાકાત બાદ PM મોદી હવે ફરી ગુજરાત પ્રવાસે આવશે
- પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે
- આ દરમિયાન તેઓ વેક્સીન અંગે કોઇ જાહેરાત કરે તેવી સંભાવના
ગાંધીનગર: થોડાક સમય પહેલા કેવડિયાની લીધેલી મુલાકાત બાદ પીએમ મોદી હવે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી વેક્સીન અંગે ગુજરાતથી મોટી જાહેરાત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, PM મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. હાલમાં ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનો પ્રવાસ પણ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. કોવિડ-19 વેક્સીન માટે SIIA વૈશ્વિક દવા નિર્માતા એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય સાથે ભાગીદારી કરી છે.
પૂણેના મંડલાયુક્ત સૌરભ રાવે કહ્યું હતું કે અમને શનિવારે પીએમ મોદીના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાન આવવાની પુષ્ટિ થઇ છે. જો કે તેમનો વિસ્તૃત કાર્યક્રમ હજુ મળ્યો નથી. રાવે કહ્યું કે પીએમના પૂણે આવવાની સંભાવના છે, જો આમ થશે તો તેમનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ સંક્રમણના વેક્સીન નિર્માતાની સ્થિતિ, ઉત્પાદન અને વિતરણના તંત્રની સમીક્ષા થશે.
નોંધનીય છે કે આ પહેલા, પીએમ મોદી 30મી ઑક્ટોબરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
(સંકેત)