- દેશની પ્રથમ વીઆઇપી ટ્રેન તેજસ એક્સપ્રેસની રફતાર પર ફરી લાગશે બ્રેક
- રેલવે બોર્ડે લખનૌ-નવી દિલ્હી, મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ બંધ કરવાનો નિર્ણય કર્યો
- મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો
નવી દિલ્હી: દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની રફતાર પર ફરી એક વખત બ્રેક લાગવાની છે. રેલવે બોર્ડે હવે લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ અને મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બર 2020થી બંધ થઇ જશે. નવી દિલ્હી-લખનૌની વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 23મી નવેમ્બરથી, જ્યારે અમદાવાદ-મુંબઇની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 24 નવેમ્બરથી બંધ થશે. IRCTC દ્વારા તેજસ એક્સપ્રેસનું સંચાલન કરવામાં આવે છે.
તેજસ એક્સપ્રેસ બંધ થવાનું આ છે કારણ
તેજસ એક્સપ્રેસ ટ્રેન બંધ થવા પાછળનું કારણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જણાવાઇ રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે વીઆઇપી સેવા પ્રદાન કરતી તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે ઘણા ઓછા મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું, જેના કારણે રેલવેને ટ્રેન સંચાલિત કરવા છત્તાં કોઇ ખાસ આવક ઉપજી નહીં.
મુસાફરોના ઘટાડાને ધ્યાનમાં રાખતા અંતે IRCTCએ ટ્રેનને રદ કરવાનો પત્ર લખ્યો હતો. તે પછી રેલવે બોર્ડે 23 નવેમ્બરથી આગામી આદેશ સુધી તેજસ ટ્રેનની બધી સેવાઓને રદ કરવાનો નિર્ણય લીધો. આપને જણાવી દઇએ કે ઑક્ટોબર 2019માં દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત થઇ હતી.
મહત્વનું છે કે, IRCTCએ ઑક્ટોબર 2019માં લખનૌ-દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ શરૂ કરી હતી. તે પછી અમદાવાદ-મુંબઇની વચ્ચે આ વર્ષે જાન્યુઆરીમાં તેજસ એક્સપ્રેસ શરૂ થઇ હતી. કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગૂ થતા તેજસ એક્સપ્રેસનું સંચાલન 19 માર્ચ એટલે કે અંદાજે 7 મહિનાથી બંધ હતું.
(સંકેત)