- કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત રાજ્યો માટે લીધો મહત્વનો નિર્ણય
- કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત 6 રાજ્યો માટે આર્થિક સહાયનું કર્યું એલાન
- NDRF હેઠળ 6 રાજ્યોને 4,381.88 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય સમિતિએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ NDRF હેઠળ 6 રાજ્યોને 4,381.88 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી દીધી છે. આ રાજ્યોમા સામેલ અને તોફાન એમ્ફાનથી પ્રભાવિત પશ્વિમ બંગાળને 2,707.77 કરોડ રૂપિયાનું આર્થિક સહાય ફંડ, ઓડિશાને 128.23 કરોડ રૂપિયાનું સહાય ફંડ આપવામાં આવશે. નિસર્ગ તોફાનથી પ્રભાવિત થયેલા મહારાષ્ટ્રને 268.59 કરોડ રૂપિયાનું આર્થિક સહાય ફંડ આપવામાં આવશે.
બીજી તરફ દક્ષિણ-પશ્વિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલનનો સામનો કરનારા કર્ણાટકને 577.84 કરોડ રૂપિયાનું ફંડ, મધ્યપ્રદેશને 611.61 કરોડ રૂપિયાનું ફંડ અને સિક્કિમને 87.84 કરોડ રૂપિયાના ફંડની આર્થિક સહાય કરવામાં આવશે.
આ વર્ષે આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનો સાથે પૂર અને ભૂસ્ખલનનો પણ પ્રકોપ રહ્યો હતો. તોફાન એમ્ફાનની તબાહી પછી પીએમ મોદીએ પશ્વિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેતાં બંગાળને 1000 કરોડની આર્થિક સહાય અને ઓડિશાને 500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તે ઉપરાંત કુદરતી આફતોમાં જીવ ગુમાવેલા મૃતકોના પરિવારને 2 લાખની મદદ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદનું એલાન પણ કર્યું હતું.
(સંકેત)