જમ્મુ-કાશ્મીર: સૌભાગ્ય યોજના હેઠળ નૌશેરા સેક્ટરના લોકોને આઝાદીના 73 વર્ષ બાદ મળી વીજળી
- નૌશેરા સેક્ટરના લોકોને મળી વીજળી
- આઝાદીના 73 વર્ષ બાદ મળી વીજળી
- આ યોજના પીએમ દ્વારા 2017 માં શરૂ કરાઈ હતી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ઉપ-મંડળમાં ડુંગરાળ-સરહદી વિસ્તારોના કેટલાક ગામોમાં સરકારની સૌભાગ્ય યોજના હેઠળ વીજળી મળ્યા બાદ ગ્રામજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.
આઝાદી બાદથી આ વિસ્તાર વીજ પુરવઠોથી વંચિત હતો. રાજૌરી વિસ્તારનો રહેવાસી અબ્દુલ હમીદે કહ્યું કે, ‘અમે સરકારના આભારી છીએ. પહેલા અમારા બાળકો ભણી શકતા ન હતા. અમારે ફોન ચાર્જ કરવા માટે બીજા ગામમાં જવું પડતું હતું. હવે 1,500 થી 1,600 પરિવારોને વીજળી મળી રહી છે.
રીપોર્ટ મુજબ નૌશેરામાં આશરે 44 જેટલી પંચાયતોને વીજ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી છે. સહાયક ઇજનેર વરૂણ સદોત્રાએ કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ ઘણા સરહદ વિસ્તારોમાં વીજળીકરણ કરવામાં આવ્યું નથી. પીએમ મોદીની સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા સરહદી ગામોને વીજળી પ્રદાન કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અહીંના ગ્રામજનોએ વેલ્ડિંગ શોપ, મિલો,ફર્નિચર યુનિટ જેવા નાના પાયે વ્યવસાય શરૂ કર્યા છે.
પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના – ‘સૌભાગ્ય’યોજના 25 સપ્ટેમ્બર 2017 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સૌભાગ્ય હેઠળ તમામ ઘરો ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં ગરીબોને મફત વીજળી કનેક્શન પ્રદાન કરવામાં આવે છે.
_Devanshi