- દેશના 10 રાજ્યોમાં મંગળવારે 54 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ
- ચૂંટણી પંચ અનુસાર સૌથી વધઉ મતદાન નાગાલેન્ડમાં થયું હતું
- ઉત્તરપ્રદેશમાં 51.57 ટકા તો છત્તીસગઢમાં 71.99 ટકા મતદાન
નવી દિલ્હી: દેશના દસ રાજ્યોમાં મંગળવારે 54 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. મધ્યપ્રદેશમાં ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાના બનાવો બન્યા હતા પરંતુ તેનાથી મતદાન પ્રભાવિત થયું ન હતું. ચૂંટણી પંચે 10 રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીના મતદાનના આંકડાઓ જારી કર્યા હતા. ચૂંટણી પંચ અનુસાર સૌથી વધુ મતદાન નાગાલેન્ડની પેટાચૂંટણીમાં થયું હતું. અહીંયા 83.69 ટકા મતદાન થયું હતું.
જાણો ક્યાં કેટલું થયું મતદાન
રાજ્ય મતદાન
છત્તીસગઢ 71.99 ટકા
ગુજરાત 57.98 ટકા
હરિયાણા 68 ટકા
ઝારખંડ 62.51 ટકા
કર્ણાટક 51.3 ટકા
મધ્યપ્રદેશ 66.37 ટકા
નાગાલેન્ડ 83.69 ટકા
ઓડિશા 68.08 ટકા
તેલંગાણા 81.44 ટકા
ઉત્તરપ્રદેશ 51.57 ટકા
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 7 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આ દરમિયાન કુલ 51.57 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન 57.60 ટકા અમરોહાની નૌગાવાં સાદાત બેઠક પર થયું હતું. સૌથી ઓછું મતદાન 47.65 ટકા કાનપુરની ઘાટમપુર બેઠક પર થયું હતું. આ બેઠક પ્રદેશમાં મંત્રી રહેલા કમલ રાણી વરુણના નિધન પર ખાલી થઇ હતી. વર્ષ 2017માં આ સાત બેઠકો પર 63.90 ટકા મતદાન થયું હતું. એટલે કે પેટાચૂંટણીમાં વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીની સરખામણીએ અંદાજે 12.63 ટકા ઓછું મતદાન થયું હતું. મતગણતરી 10 નવેમ્બરના રોજ થશે.
મંગળવારે સૌથી વધુ બેઠકો પર પેટાચૂંટણી મધ્યપ્રદેશમાં થઇ હતી. અહીંયા સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાનની ગતિ મુરૈના અને ભિંડ જીલ્લામાં કેટલીક હિંસક ઘટનાઓ વચ્ચે પ્રારંભમાં ધીમી રહી હતી પરંતુ ત્યારબાદ મતદાન વધ્યું. ચૂંટણી પંચ અનુસાર 66.37 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ 80.49 ટકા મતદાન આગર વિધાનસભા બેઠક અને સૌથી ઓછું 35.23 ટકા મતદાન ગ્વાલિયર પૂર્વ સીટ પર થયું હતું.
(સંકેત)