- વિધર્મી લગ્ન કરનારા કપલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી
- માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું અસ્વીકાર્ય છે: અલ્હાબાદ હાઇકોર્ટ
અલ્હાબાદ: અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું અસ્વીકાર્ય છે. વિધર્મી લગ્ન કરનારાના કપલની અરજી ફગાવતા હાઇકોર્ટે આ વાત કહી હતી. કપલે હાઇકોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે, યુવતીના પિતા અને પોલીસ તેમના લગ્નજીવનમાં દખલગીરી ના કરે તેવા નિર્દેશ આપે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રિયાંશી ઉર્ફે સીમરન અને તેના પતિની રિટ પિટિશન ફગાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે કોર્ટને જાણવા મળ્યું છે કે, પ્રથમ અરજીકર્તાએ 29 જૂન, 2020ના રોજ ધર્મ પરિવર્તન કર્યું અને 31 જુલાઇએ લગ્ન કરી લીધા. આ દર્શાવે છે કે, ધર્મ પરિવર્તન માત્ર લગ્નના હેતુથી થયું હતું. અરજીમાં કપલે રજૂઆત કરીહતી કે તેમણે આ વર્ષે જુલાઇ મહિનામાં લગ્ન કર્યા હતા. પરંતુ યુવતીનો પરિવાર તેમના લગ્નજીવનમાં દખલગીરી કરી રહ્યો છે.
હાઇકોર્ટે આ કપલની અરજી ફગાવતા કહ્યું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 226 (રિટ જ્યુરિસડિક્શન) અંતર્ગત તેઓ દરમિયાનગીરી કરીને નરમ વલણ ના દાખવી શકે. અગાઉ વર્ષ 2014માં આ જ કોર્ટે નૂરજહાં બેગમના કેસમાં આપેલા ચૂકાદા પર જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠીએ આધાર રાખ્યો. નૂરજહાં બેગમના કેસમાં પણ હાઈકોર્ટનો ચૂકાદો હતો કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. કોર્ટે આ ચૂકાદો 23 સપ્ટેમ્બરે આપ્યો હતો.
(સંકેત)