સરદાર પટેલ જયંતિ 2020: ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલના 10 પ્રેરક વિચારો જે આપને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ આપશે
- દેશના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ
- આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- ભારતને એક બનાવવામાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે
દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને દ્રઢ મનોબળ ધરાવતા ભારતના પહેલા ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 145મી જન્મ જયંતિ છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિના પર્વ પર એટલે કે 31મી ઑક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ સમગ્ર દેશમાં ઉજવવામા આવે છે. આજે તેમની જન્મ જયંતિ પર સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. સરદાર પટેલે 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવ્યું હતું. ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા રહેલી છે. સરદાર પટેલના ઉન્નત વિચારો આજે પણ હજારો લોકોને પ્રેરિત કરે છે અને જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
આજનો યુવાવર્ગ પણ તેમના આ ઉન્નત વિચારો વિશે વાંચીને તેમના જીવનને વધુ પ્રગતિમય બનાવી શકે છે. ચાલો તેમના કેટલાક ઉન્નત વિચારો વાંચીને જીવનને જીવવાની પ્રેરણા મેળવીએ.
સરદાર વલ્લભભાઇ પટેલના 10 અનમોલ વિચાર
- મનુષ્યએ ક્રોધ ના કરવો જોઇએ, ક્રોધ પર કાબૂ રાખવો જોઇએ. લોખંડ ભલે ગરમ થઇ જાય, પરંતુ હથોડાને તો ઢંડુ જ રહેવું પડે છે અન્યથા તે પોતે જ સળગી જશે. કોઇપણ રાજ્ય તેની પ્રજા પર ગમે તેટલો આક્રોશ કરે પરંતુ અંતે તો ઠંડુ પડવું જ પડે છે.
- આજે આપણે ઉચ્ચ-નીચ, અમીર-ગરીબ, જાતિ-પંથના ભેદભાવોને સમાપ્ત કરવા જોઇએ.
- શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે, વિશ્વાસ અને શક્તિ, આ બંન્ને મહાન કાર્ય કરવા માટે ખૂબ જ આવશ્યક છે.
- જ્યારે જનતા એકતા દર્શાવીને એકજુટ થાય છે ત્યારે ક્રૂરથી ક્રૂર શાસન પણ નથી ટકી શકતું. અર્થાત્, જાતિ-નાતિ, ઉચ્ચ-નીચના ભેદભાલ ભૂલીને દરેકે સંપથી રહેવું જોઇએ.
- આપનું સારાપણું એ પ્રગતિના માર્ગમાં અવરોધરૂપ બને છે, તેથી પોતાની આંખોને ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો સામનો મક્કમ મનોબળ અને મજબૂત હાથોથી કરો.
- અધિકાર મનુષ્યને ત્યાં સુધી અંધ બનાવી રાખશે જ્યાં સુધી મનુષ્ય તે અધિકાર પ્રાપ્ત કરવાના હેતુસર મૂલ્ય ના ચૂકવી દે.
- તમારે તમારું અપમાન સહન કરવાની કળા આવડવી જોઇએ.
- કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. પ્રેમ તો પ્રેમ છે. માતાને પોતાનું નબળું સંતાન પણ સુંદર લાગે છે અને તે તેને ખૂબ જ પ્રેમ કરે છે.
- જો આપણી લાખોની સંપત્તિ કે ધન જતું રહે અથવા આપણા સમગ્ર જીવનને બલિદાનમાં આપી દેવું પડે તો પણ ઇશ્વરમા વિશ્વાસ અને તેમના સત્ય પર વિશ્વાસ રાખીને પ્રસન્ન રહેવું જોઇએ.
- સંસ્કૃતિની રચના સમજપૂર્વક શાંતિ પર કરવામાં આવી છે. મરવાનું હશે તો વ્યક્તિ તેના પાપને કારણે મરશે. જે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે, તે વેર કે દ્વેષની ભાવનાથી નથી થઇ શકતું.
નોંધનીય છે કે, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ એવા નેતા હતા કે જેમણે ક્યારેય પદનો મોહ રાખ્યો ન હતો. એ ઈચ્છતા તો દેશના પ્રધાનમંત્રી પણ બની શક્તા હતા. પરંતુ તેમને મન તો માત્રને માત્ર દેશ હિત હતું. સરદાર પટેલ એવા નેતા હતા કે તેઓ દેશના જ નહીં પણ વૈશ્વિક નેતા હતા.