- સરકાર પાસે માત્ર 25 હજાર ટન ડુંગળીનો બફર સ્ટોક બાકી
- નવેમ્બર સુધીમાં સમાપ્ત થઇ જશે ડુંગળીનો બફર સ્ટોક
- દેશમાં ડુંગળીના છૂટક ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોને પાર
મુંબઈ: સરકાર પાસે માત્ર 25 હજાર ટન ડુંગળીનો બફર સ્ટોક બાકી છે. આ સ્ટોક નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં સમાપ્ત થઈ જશે. નાફેડના મેનેજિંગ ડિરેક્ટર સંજીવકુમાર ચઢાએ શુક્રવારે આ માહિતી આપી હતી. દેશમાં ડુંગળીના છૂટક ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. એવામાં તેની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા અને ભાવોને નિયંત્રિત કરવા માટે નાફેડ ડુંગળીને સલામત સ્ટોકમાંથી મુક્ત કરી રહી છે.
નાફેડ સરકાર સંકટ સમયે ઉપયોગ માટે આ સ્ટોક ઇશ્યૂ કરવા તૈયાર છે. નાફેડે આ વર્ષ માટે લગભગ એક લાખ ટન ડુંગળી ખરીદી હતી. સંજીવકુમાર ચઢાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ અત્યાર સુધીમાં બફર સ્ટોકમાંથી 43 હજાર ટન ડુંગળી બજારમાં મુકવામાં આવી છે. કેટલાક ભંડારોના વિનાશ બાદ આશરે 25 હજાર ટન ડુંગળી સ્ટોકમાં બાકી છે, જે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ચાલશે. ”
આ વચ્ચે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અનેક મોટા ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના પાકને નુકસાન થયું છે. આને કારણે દેશમાં ખરીફ ડુંગળીનું ઉત્પાદન 14 ટકા ઘટીને 37 લાખ ટન થવાની ધારણા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,“મહારાષ્ટ્ર,કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વરસાદને લીધે ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન આશરે 37 લાખ ટન થવાનો અંદાજ છે. અગાઉ 43 લાખ ટનના અંદાજે લગભગ 6 લાખ ટન ઓછુ છે.
વરસાદની ઋતુમાં પાક નિષ્ફળતાને લીધે ડુંગળીનો ભાવ સતત આકાશને સ્પર્શી રહ્યો છે,જેના કારણે સામાન્ય લોકો ચિંતિત છે. નવરાત્રિમાં લોકો ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના ભાગોમાં ડુંગળી ખાતા નથી. જેના કારણે વપરાશ ઓછો થાય છે,પરંતુ તેનાથી ડુંગળીના ભાવમાં રાહત મળી નથી. આ અઠવાડિયે ચેન્નાઇના રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 73 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. દિલ્હી,મુંબઇ જેવા મહાનગરોમાં ડુંગળીનો આ સૌથી મોંઘો ભાવ છે. તો, દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ 51 રૂપિયા પ્રતિ કિલો, કોલકાતામાં 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઇમાં 67 રૂપિયા પ્રતિ કિલો છે.
_Devanshi