ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ, સશસ્ત્ર દળોમાં બનાવી શકશે કારકિર્દી
- ગુજરાજની એક માત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ
- કુલ બેઠકમાંથી 67 ટકા બેઠકો ગુજરાતની છોકરીઓ માટે અનામત રહેશે
- આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી 10 યુવતીઓને પ્રવેશ અપાશે
બાલાચડી: ભારતની સરકાર ભારતીય સશસ્ત્ર દળોમાં પણ મહિલાઓના મજબૂત સ્થાન માટે પ્રતિબદ્વ છે અને આ માટે સતત પ્રયાસરત છે ત્યારે હવે બાલાચડીમાં આવેલી 60 વર્ષ જૂની સૈનિક સ્કૂલ આગામી વર્ષથી એટલે કે વર્ષ 2021થી યુવતીઓ માટે દ્વાર ખોલવાની છે. સૈનિક સ્કૂલના આ નિર્ણયથી દેશની અનેક યુવતીઓ ભારતીય સશસ્ત્ર દળોમાં ઉચ્ચ કારકિર્દી બનાવી શકશે.
નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ લેવા ઇચ્છતા યુવાનોને ટ્રેનિંગ આપવાના હેતુસર જામનગરથી 32 કિમી દૂર સ્થિત આ સ્કૂલ અત્યારસુધી માત્ર યુવકોને પ્રવેશ આપતી હતી. પરંતુ આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી 10 યુવતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ બાદ પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને બેઠકોને વધારવામાં આવશે. તે ઉપરાંત તેમાંથી 67 ટકા બેઠકો ગુજરાતની શાળાઓની છાત્રાઓ માટે અનામત રહેશે.
આપને જણાવી દઇએ કે અંદાજે 2 વર્ષ પહેલા સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી ચારથી પાંચમાં છોકરીઓને પ્રવેશ માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત તેમજ SC, ST, OBC માટે અનામત નિયમ મુજબ લાગુ કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે છોકરીઓને NDA માટે તૈયાર થવામાં અંદાજે 7 વર્ષનો સમય લાગશે. આગામી વર્ષોમાં મહિલાઓને પણ સામેલ કરવાનું શરૂ થઇ શકે છે. હાલમાં, 426 એકર જમીનમાં ફેલાયેલા કેમ્પસમાં 570 વિદ્યાર્થીઓ તાલીમ લે છે.
કેમ્પસમાં છોકરીઓ માટે એક હોસ્ટેલ બનાવવામાં આવશે. અભ્યાસની સાથે-સાથે છોકરીઓને તે જ રીતે ટ્રેનિંગ આપવામાં આવશે જેમ છોકરીઓને આપવામાં આવે છે, કે જેથી તેઓ આર્મ્ડ ફોર્સમાં ડિફેન્સ અધિકારીઓ તરીકે સામેલ થઈ શકે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે.
આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આજથી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
(સંકેત)