- નાણામંત્રી એ આપ્યો સંકેત
- ટૂંક સમયમાં અન્ય રાહત પેકેજની ઘોષણા
- મેં વધુ એક પ્રોત્સાહન પેકેજ માટેનો વિકલ્પ બંધ કર્યો નથી – નાણામંત્રી
મુંબઈ: કોવિડ-19 મહામારીની વચ્ચે અર્થવ્યવસ્થાને વધારવા માટે સરકાર ટૂંક સમયમાં વધુ એક રાહત પેકેજની ઘોષણા કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોના સંકટથી ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજા ઉત્તેજના પેકેજનો વિકલ્પ બંધ કર્યો નથી. મતલબ કે સરકાર પાસે અન્ય રાહત પેકેજનો વિકલ્પ છે. તેમણે કહ્યું કે સરકારે અર્થવ્યવસ્થા પર કોવિડ-19 મહામારીની અસર અને તેનાથી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સંભવિત ઘટાડાની આકારણી શરૂ કરી છે.
15મા નાણાં પંચના અધ્યક્ષ એન.કે.સિંહનાં પુસ્તક ‘પોટ્રેટસ ઓફ પાવર: હાફ સેન્ચ્યુરી એન્ડ સેન્ચ્યુરી ઓફ બીઇંગ એટ રિંગસાઇટ’ના અનાવરણ પ્રસંગે નાણાંમંત્રીએ કહ્યું કે, મેં વધુ એક પ્રોત્સાહન પેકેજ માટેનો વિકલ્પ બંધ કર્યો નથી. વિવિધ ક્ષેત્રોના સૂચનો મળ્યા બાદ અમે મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયની અંદર કામ કરીએ છીએ અને પછી અંતિમ નિર્ણય લઈશું. દર વખતે જ્યારે અમે પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી છે,ત્યારે તે ખૂબ વિચાર-વિમર્શ અને વિચારણા પછી જાહેર કરી છે.
20 લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા
12 ઓક્ટોબરના રોજ નાણાંમંત્રી 46,675 કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી,જેમાં કેન્દ્ર અને રાજ્યો બંને માટે ઊંચા ગ્રાહક મૂડી ખર્ચ તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. આ વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં કોરોના સંક્રમણને કારણે લોકડાઉનની જાહેરાત થયા બાદ મે મહિનામાં સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરાયું હતું. આ લોકડાઉનને કારણે ‘એપ્રિલ-જૂન’ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો થયો હતો.
_Devanshi