- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ
- 8 બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી 135 ઉમેદવારોએ ફોમ ભર્યા
- ફોર્મ ચકાસણીમાં કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ ખેલાશે ત્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આપને જણાવી દઇએ કે 8 બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી 135 ઉમેદવારોએ ફોમ ભર્યા હતા.
રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 135 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ત્યારબાદ 17 ઑક્ટોબરે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 33નાં ફોર્મ રદ થયાં હતા. ચૂંટણીપંચે કુલ 102 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે માન્ય ઠેરવ્યા છે.
શનિવારે થયેલી ફોર્મ ચકાસણીમાં કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા. યાદીની વાત કરીએ તો સૌથી વધુ ઉમેદવારો મોરબી બેઠક પર 20 નોંધાયા છે, જ્યારે કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો નોંધાયા છે. આ 102 ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીના કુલ 27 ઉમેદવારો નોંધાયા છે જ્યારે 75 ઉમેદવારો અપક્ષ છે.
કઇ બેઠક પર કેટલા ઉમેદવાર
અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14 મોરબી બેઠક પર 20, ધારી બેઠક પર 12, ગઢડા બેઠક પર 13, કરજણ બેઠક પર 11, ડાંગ બેઠક પર 9 તથા કપરાડા બેઠક પર 4 ઉમેદવાર છે.
વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં અબડાસામાં 8, લીંબડીમાં 17, ગઢડામાં 5, મોરબીમાં 9, કરજણમાં 7, ડાંગમાં 02 અપક્ષ ઉમેદવારોને ફોર્મ ભર્યા છે.
કોને કોને ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણીના 8 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહા પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઇન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
(સંકેત)