કોરોના વેક્સીનનાં સંગ્રહ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજની શોધ શરૂ કરી, બનાવ્યો આ પ્લાન
- કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થયા બાદ કોલ્ડ સ્ટોરેજ શોધવાનો પડકાર
- આ જ દિશામાં સરકારે હવે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું શરૂ કર્યું
- આ પ્લાનથી દેશભરમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી શકાશે
નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં ઉપલબ્ધ બનશે ત્યારે તેની સામે બીજો મોટો પડકાર તેને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું છે. આ જ દિશામાં સરકારે હવે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું કાર્ય શરૂ કર્યું છે. સરકારના પ્લાનથી દેશભરમાં મોટા પાયે વેક્સિનની ઉપલબ્ધતાને સુનિશ્વિત કરી શકાશે.
આ માટે નિષ્ણાતોની એક ટીમ ફાર્મા સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ અને એગ્રિકલ્ચરની પ્રાઇવેટ અને સરકારી કંપનીઓ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યું છે. સાથે જ ઘરે ફૂડ ડિલિવરી કરનારી સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓના પણ સંપર્કમાં છે.
આગામી મહિનાઓમાં ઓછામાં ઓછી એક સ્થાનિક અને ત્રણ વિદેશી રસી ભારતમાં ઉપલબ્ધ હશે ત્યારે આ કવાયતનો હેતુ તાલુકા સ્તરે રેફ્રિજરેટર્સ, કોલ્ડ સ્ટોરેજ વગેરેની વ્યવસ્થા કરવાનો છે જે વેક્સિનનો સંગ્રહ અને વિતરણ કરી શકે. વેક્સિનના વિતરણની એક યોજના આગામી સપ્તાહના મધ્યમાં રજૂ થાય તેવી સંભાવના છે.
રસી ઉપલબ્ધ કરાવનારા મોટા ભાગની કંપનીઓને કોલ્ડ સ્ટોરેજની સપ્લાઇ ચેનની જરૂર હશે. તેમને એવો કોલ્ડ સ્ટોરેજ જોઇએ છે જ્યાં તાપમાન શૂન્યની નીચે જઇ શકે છે અને વધુમાં વધુ શૂન્યથી 80 ડિગ્રી સેલ્સિયસ નીચે જઇ શકે.
(સંકેત)