કોરોના સામેની લડાઇનું ‘ધારાવી મૉડલ’ વિશ્વ માટે બન્યું પ્રેરણારૂપ, વર્લ્ડ બેંકે પણ કરી પ્રશંસા
- એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં કોરોના પર અંકુશની લડાઇ બની પ્રેરણારૂપ
- ધારવીમાં કોરોના સામેની લડાઇની વિશ્વ આરોગ્ય સંગઠન બાદ વર્લ્ડ બેંકે પણ કરી પ્રશંસા
- સામુદાયિક સ્તર પર સહભાગિતાના કારણે ધારાવીમાં સંક્રમણને રોકવામાં સફળતા મળી
મુંબઇ: હાલમાં ભારતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે અને ખાસ કરીને એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર તરીકે જાણીતા ધારાવીમાં પણ કોરોનાને કારણે ચિંતાની સ્થિતિ છે, જો કે આ વિસ્તારમાં કોરોના સામેની લડાઇ સમગ્ર વિશ્વ માટે એક મૉડલ અને આદર્શરૂપ બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠન બાદ વર્લ્ડ બેંકએ પણ મુંબઇના ધારાવીમાં કોરોના સંક્રમણને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંની સરાહના કરી છે.
આ અંગે વર્લ્ડ બેંકે કહ્યું કે સમસ્યાને અનુરૂપ સમાધાન મળશે અને સામુદાયિક સ્તર પર સહભાગિતાના કારણે ધારાવીમાં સંક્રમણને ફેલાતું રોકવામાં સફળતા મળી. વર્લ્ડ બેંકે પોતાના દ્વિવાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે મેમાં સંક્રમણના સૌથી વધારે કેસ હતા, જે જરૂરી પગલાં ઉઠાવવાના કારણે ત્રણ મહિના બાદ જુલાઇમાં 20 ટકા કેસ ઘટી ગયા. હવે આ રીતે ભીડભાડ વાળી જગ્યા પર જે રીતે કોરોના વાયરસને મ્હાત અપાઇ છે તે જોતા વિશ્વના બાકીના દેશોને પણ નવાઇ લાગી રહી છે. કોરોનાને મ્હાત આપવામાં અહીંના લોકો અને વહીવટી તંત્રની મહેનત ફળી છે.
વર્લ્ડ બેંકે વહીવટી તંત્રની કરી સરાહના
વર્લ્ડ બેંક અનુસાર મુંબઇમાં અધિકારીઓએ ધારાવીમાં તાવ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડાવાળા દર્દીઓની મોટા પ્રમાણમાં તપાસ કરીને રણનીતિ હેઠળ પ્રયાસો કર્યો અને પગલાં ભર્યા. લોકોને આ તપાસ અભિયાનમાં જોડવામાં આવ્યા. તે ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. જેનાથી વાયરસના ઝડપથી ફેલાવાને રોકી શકાય.
નોંધનીય છે કે ધારાવી દુનિયાની સૌથી મોટા ઝુપડપટ્ટી વિસ્તારમાંથી એક છે. આ અઢી કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ધારાવીમાં લગભગ 8 લાખ લોકો રહે છે. મુંબઈમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ 11 માર્ચે સામે આવ્યો હતો. ધારાવીમાં એક એપ્રિલના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.
(સંકેત)