મિતેષ એમ. સોલંકી
જ્યારે વર્ષ-1962માં ચીન સાથે અને વર્ષ-1965 અને 1971માં પાકિસ્તાન સાથે ભારતને યુદ્ધ થયું ત્યાર બાદ ભારત સરકારે Defence of India Act અંતર્ગત ચીન અને પાકિસ્તાનની નાગરિકતા મેળવી હોય તેમની સંપત્તિ ઉપર કબ્જો મેળવી લીધો.
ત્યાર બાદ વર્ષ-1968માં Enemy Property Act પણ પસાર કરવામાં આવ્યો જેમાં સ્થાવર તેમજ જંગમ એમ બંને પ્રકારની સંપત્તિ કબ્જે કરવાની સ્પષ્ટતા કરવામાં આવી.
ઉપરોક્ત કાયદા અનુસાર દુશ્મન એટલે એવો કોઈપણ દેશ જે ભારત અને તેના નાગરિકો સામે હથિયારના ઉપયોગ સાથે કોઈ પ્રવૃતિ કરે. આ દુશ્મન દેશના નાગરિકની સંપત્તિમાં ઇમારત, જમીન, સોનું, જવેરાત તેમજ કોઈ કંપનીમાં જો શેર હોય તો તેનો પણ સમાવેશ થાય છે.
વર્ષ-1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી જાન્યુઆરી-1966માં તાશકંદ કરાર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ભારત અને પાકિસ્તાન બંને દેશોએ યુદ્ધ દરમિયાન/પછી જે એકબીજાની સંપત્તિ પર કબ્જો મેળવી લીધો હોય તેને પરત કરવા અંગે ચર્ચા કરી હતી. જો કે પાકિસ્તાને તેની પાસે રહેલ તમામ દુશ્મન દેશની સંપત્તિ 1971માં વેંચી નાખી હતી.
શા માટે ચર્ચામાં છે?
વર્ષ-2017માં Enemy Property Act-1968માં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સરકારે દુશ્મન દેશની સંપત્તિની હરાજી કરવાનું શરૂ કર્યું.
તાજેતરમાં ભારત સરકારે દુશ્મનની સંપત્તિ સંબંધિત વટહુકમને પાંચમી વખત રજૂ કર્યો. અગાઉ પ્રણબ મુખર્જીએ આ સુધારાને મંજૂરી આપી હતી પરંતુ તેમને આ સુધારા સંબંધિત કેટલાક પ્રશ્નો પણ હતા.
ભારતમાં દુશ્મનની સંપત્તિ
ભારતમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં ઉપરોક્ત પ્રકારની સંપત્તિનું સૌથી વધારે પ્રમાણ છે.
પાકિસ્તાનની સંપત્તિ | ચીનની સંપત્તિ |
ઉત્તરપ્રદેશ – 4991 | મેઘાલય – 57 |
પશ્ચિમ બંગાળ – 2735 | પશ્ચિમ બંગાળ – 29 |
દિલ્લી – 487 | આસામ – 7 |
દુશ્મનની સંપત્તિની કેટલી કિંમત છે?
અગાઉ જણાવ્યુ તેમ પાકિસ્તાને ભારતીય નાગરિકતા ધરાવતા તેના નાગરિકો (તેમની ભાષામાં આપણે દુશ્મન)ની સંપત્તિ 1971માં વેંચી નાખી જ્યારે ભારતમાં આજે પણ આ સંપત્તિ રખેવાળના હાથમાં સુરક્ષિત છે.
પાકિસ્તાનની નાગરિકતા ધરાવતા હોય તેવા લોકોની સ્થાવર સંપત્તિની સંખ્યા ભારતમાં 9,280 છે. જેની અંદાજે કિંમત 1.04 લાખ કરોડ રૂ. છે જેમાં અંદાજે 2600 કરોડ. રૂ.ના વિવિધ કંપનીના શેર પણ આવેલ છે. સોના, જવેરાત, બેંક ખાતા, જમા મૂડી અને સરકારી થાપણ પણ ભારતમાં રખેવાળ પાસે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત ભારતમાં ચીનની કહી શકાય તેવી દુશ્મનની સંપત્તિની સંખ્યા 126 છે.
વટહુકમની જરૂર શા માટે છે?
એવા ભારતીય વ્યક્તિનો પુત્ર કે જે પાકિસ્તાન જતો રહ્યો હોય અને સરકારે તે વ્યક્તિની સંપત્તિની જપ્ત કરી લીધી હોય હવે તે વ્યક્તિનો પુત્ર પોતાના પિતાના સંબંધે એક સમયે ભારતીય હતો તેથી તે સંપત્તિ તેને પરત મળવી જોઈએ તેવા પ્રશ્નો આવ્યા.
તેની દલીલ એવી હતી કે તેના પિતાના અવસાન થયા પછી આ સંપત્તિ હવે દુશ્મનની સંપત્તિ પણ ન કહી શકાય.
ઉપરોક્ત બાબતે સુપ્રિમ કોર્ટે વર્ષ-2005માં ચુકાદો આપ્યો કે દુશ્મનની સંપત્તિ પર કોઈનો આધિકારિક દાવો નથી અને તે માત્ર ટ્રસ્ટી દ્વારા જાળવી રાખવામાં આવેલ છે. તેનો અર્થ કે વારસદારને ઉપરોક્ત પ્રકારની સંપત્તિનો કબ્જો પરત કરી શકાય છે જો તેના પિતા ભારતીય હોય તો.
તેથી વર્ષ-2010માં ભારત સરકારે એક વટહુકમ જાહેર કર્યો કે ઉપરોક્ત કિસ્સા જેવી સંપત્તિ હમેશા રખેવાળ પાસે જ રહેશે. ઉપરોક્ત વટહુકમ કાયદો ન બની શકતા ફરી જાન્યુઆરી-2016માં અને ત્યાર પછી નિયમિત રીતે વટહુકમ તરીકે જાહેર કરતાં રહેવામાં આવ્યા.
તાજેતરના વટહુકમની જોગવાઇઓ શું છે?
તાજેતરનો વટહુકમ Enemy Property Act-1968ની ઘણી જોગવાઇઓમાં સુધારો કરે છે.
દુશ્મનની વ્યાખ્યા
- 1968ના કાયદા અનુસાર દુશ્મન એટલે એવો કોઈપણ દેશ જે ભારત અને તેના નાગરિકો સામે હથિયારના ઉપયોગ સાથે કોઈ પ્રવૃતિ કરે.
- દુશ્મન દેશની નાગરિકતા ધરાવતા વ્યક્તિના કાયદેસરના વારસ જે ભારતના નાગરિક હોય કે પછી બીજા કોઈ દેશના નાગરિક હોય જે ભારત માટે દુશ્મન દેશ નથી તો પણ તે દુશ્મન કહેવાશે.
દાઉદ ઇબ્રાહિમ – મૂળ ભારતીય પણ હાલમાં પાકિસ્તાનમાં હોવાની ચર્ચા છે. – દુશ્મન વ્યક્તિ – તેની સંપત્તિ દુશ્મનની સંપત્તિ
હવે દાઉદનો વારસદાર જો ભારતનો નાગરિક હોય અને સંપત્તિ ધરાવે તો પણ તે દુશ્મનની સંપત્તિ કહેવાય.
જો દાઉદનો વારસદાર ભારતનો નહીં પરંતુ ઉદા. તરીકે શ્રીલંકાનો નાગરિક બને છે તો પણ તે ભારત માટે દુશ્મનની વ્યાખ્યામાં જ આવશે.
- દુશ્મન દેશની નાગરિકતા ધરાવતો વ્યક્તિ જે વારંવાર પોતાની નાગરિકતા બદલાતો રહે અને અલગ અલગ દેશની નાગરિકતા મેળવે (પછી બીજા દેશ દુશ્મનની વ્યાખ્યામાં ન આવતા હોય તો પણ) તો તે પણ દુશ્મનની વ્યાખ્યામાં આવશે.
દુશ્મનની સંપત્તિ સુપરત કરવી
- દુશ્મન વ્યક્તિની સંપત્તિ
- તેના મૃત્યુ પછી
- તેનો પુત્ર ભારતીય હોય અથવા બીજા દેશનો (જે દુશ્મન નથી) નાગરિક હોય
- વારંવાર પોતાની નાગરિકતા બદલતો વ્યક્તિ હોય
તો ઉપરોક્ત ત્રણેય પરિસ્થિતિમાં સંપત્તિ રખેવાળને સોંપી દેવામાં આવે છે.
સંપત્તિ વેંચવાના અધિકાર
દુશ્મનની સંપત્તિને વેંચવાનો તેમજ તેનો યોગ્ય વ્યાપારી નિકાલ કરવાનો અધિકાર રખેવાળને હોય છે.
દુશ્મન દ્વારા સંપત્તિના અધિકારની ફેરબદલી
વર્ષ-1968 પહેલાનાકે પછીના તમામ સંપત્તિની ફેરબદલી સંબંધિત અધિકારોને રદ કરે છે.
ન્યાયિક નિયંત્રણ
દિવાની તેમજ અન્ય ન્યાયિક સંસ્થા પણ દુશ્મનની સંપત્તિ સંબંધિત કોઈ કોર્ટ કેસ સ્વીકારી ના શકે.
રખેવાળની સત્તાઓ
ઉપરોક્ત વટહુકમ મુજવ રખેવાળ વ્યક્તિ/સંસ્થા દુશ્મન કે તેના કુટુંબ સાથે સંબંધો જાળવી ના શકે.
દુશ્મન સંપત્તિના રખેવાળ સંપત્તિને વેંચી શકે, ગીરવે મૂકી શકે અથવા લિઝ પર આપીને ભાડું પણ વસૂલી શકે.
જો કોઈ વ્યક્તિ દુશ્મન સંપત્તિ પર બિનકાયદેસર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરે તો તેને કાયદેસર ખાલી પણ કરાવી શકે.
શા માટે ઉપરોક્ત વટહુકમ કાયદાનું સ્વરૂપ ના લઈ શક્યો?
ઉપરોક્ત બિલ માર્ચ-2016માં લોકસભામાં પસાર થયું હતું પરંતુ રાજ્યસભાએ આ બિલને પસંદગી સમિતિને મોકલી આપ્યું હતું.
પસંદગી સમિતિના 6 સભ્યોએ આ બિલનો વિરોધ કયો હતો. તેના મુખ્ય કારણો નીચે મુજબના હતા.
- દુશ્મન વ્યક્તિના વારસદારને પણ દુશ્મન તરીકે જ વ્યાખ્યાયિત કરવો.
- દુશ્મન વ્યક્તિના વારસને પોતાની વરસાઈ સંપત્તિ માટે ન્યાયતંત્રના લાભથી વંચિત રાખવો.
- રખેવાળને દુશ્મનની સંપત્તિના તમામ અધિકાર આપી દેવા.