- રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની કરી જાહેરાત
- આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલથી જોડાશે
- દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે
- આ કાર્યક્રમ હેઠળ ગ્રામવાસીઓને 22 સેવાઓ ઘર બેઠા પ્રાપ્ત થશે
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 8મી ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે. જેનાથી ગામડાઓમાં સારી ઇન્ટરનેટ સ્પીડ મળી રહેશે. હાલમાં દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર 8મી ઑક્ટોબરના રોજ ગુજરાતના 2700 ગામમાં આ સેવા શરૂ કરી દેવામાં આવશે. 8મી તારીખે 3500 ગામ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આચાર સંહિતાને પગલે હાલ 2700 ગ્રામ પંચાયતોમાં જ આ સેવા શરૂ થશે. આ સેવા શરૂ થતાં જ ગામના લોકોએ નવું રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર સહિતના 22 કામ માટે તાલુકા કે જીલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં રહે. તેઓને પોતાના ગામ ખાતેથી જ આ તમામ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે.
ગામડાના લોકોને ઘેરબેઠાં તમામ સુવિધાઓ મળે તે માટે 8 ઓક્ટોબરથી આપણે ડિજિટલ સેવાસેતુ લોન્ચ કરી રહ્યાં છીએ. સરકારી કામોમાં સરળીકરણ અને લોકોના કામકાજ ઝડપથી થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાયો છે. #DigitalSevaSetu #DigitalGujarat
— Vijay Rupani (@vijayrupanibjp) October 6, 2020
આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020 સુધી આ સેવાથી 8 હજાર ગામને જોડી દેવામાં આવશે. આગામી વર્ષ સુધી રાજ્યની તમામ 14 હજાર ગ્રામ પંચાયતને આ સેવા સાથે જોડી દેવામાં આવશે. સરકારના આ પગલાંને કારણે રાજ્યમાં ડિજીટલ ક્રાંતિ આવશે. દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં આવો કોઇ પ્રોજેક્ટ લોંચ થયો હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.
આ સેવાઓ ઉપલબ્ધ થશે
આ પ્રોજેક્ટ બાદ ગામના લોકએ હાલ 22 સેવા માટે તાલુકા કે જીલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં પડે. ગામમાં તૈયાર કરેલા સેવા કેન્દ્રથી વ્યક્તિને દરેક સેવા પ્રાપ્ત થશે. આગામી દિવસોમાં આ સેવા 22થી વધારીને 50 સુધી કરવામાં આવશે.
મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે લોકોને અમુક દાખલા માટે સોદંગનામું કરવું પડે છે. આ માટે તાલુકા કક્ષાએ કે પછી જિલ્લાના નોટરી પાસે જવું પડે છે. આ માટે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપવામાં આવશે.
(સંકેત)