- ‘મોસ્ટ એડમાયર્ડ મેન’ ની લીસ્ટમાં કુલ 4 ભારતીયોનો સમાવેશ
- વિશ્વભરમાં પીએમ મોદી અને વિરાટ કોહલીનો દબદબો
- કુલ 42 દેશોના 4500 લોકોને આ સર્વેમાં કરાયા સામેલ
- લીસ્ટ સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં કરવામાં આવી શેર
દિલ્લી: એક તરફ જ્યાં કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનની બહાર પણ સતત પ્રગતિ કરી રહ્યા છે. આ સમયે પીએમ મોદી અને ક્રિકેટર વિરાટ કોહલીની લોકપ્રિયતા કોઈપણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સ્ટાર કરતા વધારે છે. આનું સચોટ ઉદાહરણ વર્ષ 2020 ના ‘મોસ્ટ એડમાયર્ડ મેન’ની લીસ્ટમાં જોવા મળે છે, જ્યાં તે બંને મોટાભાગની સેલિબ્રિટીઓ કરતા ઉપર છે.
વર્ષ 2020 ના ‘મોસ્ટ એડમાયર્ડ મેન’ ની લીસ્ટમાં કુલ 4 ભારતીયને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (નંબર -4), બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (નંબર -14), વિરાટ કોહલી 16 માં અને શાહરૂખ ખાન (નંબર -17) પર છે. કુલ 42 દેશોના 4500 લોકોને આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા છે.
લીસ્ટમાં સામેલ અન્ય નામો વિશે વાત કરીએ તો તેમાં સૌથી ઉપર જેમનું નામ છે તે છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા. માઇક્રોસસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ બીજા નંબર પર, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ત્રીજા નંબર પર. પાંચમાં નંબરે ફિલ્મ એક્ટર જેકી ચેન, છઠ્ઠા નંબર પર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સાતમા નંબર પર ચીની કંપની અલીબાબાના સ્થાપક જેક મા, આઠમાં નંબર પર ધર્મગુરુ દલાઈ લામા, નવમા નંબર પર કાર કંપની ટેસ્લાના સ્થાપક ઈયોન મસ્ક અને દસમા નંબર પર એક્ટર કીનુ રીવ્સ છે.
‘મોસ્ટ એડમાયર્ડ મેન’ આ લીસ્ટ સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના સમર્થકો તેમને ગ્લોબલ લીડર સાબિત કરવામાં લાગ્યા છે. તો બીજી તરફ , આ યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.
_Devanshi