UNમાં PM મોદીનું સંબોધન, UNમાં સ્થાયી સભ્યપદ માટે મોદીનો લલકાર, ક્યાં સુધી ભારત પ્રતિક્ષા કરશે?
- પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રને સંબોધિત કર્યું
- પીએમ મોદીએ સંબોધન દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો
- ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રખાશે: PM મોદી
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચને ઓનલાઇન સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રની સામાન્ય સભાને સંબોધિત કરતા કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતનું વેક્સીન ઉત્પાદન અને વેક્સીન ડિલીવરી કરવાની ક્ષમતા સમગ્ર માનવજાતને આ વૈશ્વિક સંકટમાંથી ઉગારવા માટે કામ આવશે.
આ વર્ષે કોરોનાના સંકટને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ સ્થાયી સભ્યપદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ વેધક સવાલ કર્યો હતો કે ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અળગું રાખવામાં આવશે.
#WATCH Today, people of India are concerned whether this reform-process will ever reach its logical conclusion. For how long will India be kept out of the decision-making structures of the United Nations?: PM Modi at UNGA #ModiAtUN pic.twitter.com/vfFR9Gqj0j
— ANI (@ANI) September 26, 2020
પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો
- મહામારી પછી નિર્માણ પામેલી પરિસ્થિતિ પછી અમે આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધી રહ્યા છે. ભારતમાં દરેક યોજનાઓનો લાભ કોઇપણ જાતના ભેદભાવ વગર પ્રત્યેક નાગરિકને પહોંચે તે સરકાર સુનિશ્વિત કરી રહી છે
- ભારત પોતાના ગામોના 150 મિલિયન ઘરોમાં પાઇપના માધ્યમથી પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા જ ભારતે પોતાના 6 લાખ ગામને બ્રોડબેંડ ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટ કરવાની મોટી યોજનાની શરૂઆત કરી છે
- ભારતની અવાજ માનવતા, માનવજાત અને માનવીય મૂલ્યોના દુશ્મન આતંકવાદ, ગેરકાયદેસર હથિયારોની ચોરી, ડ્રગ્સ, મની લોન્ડરિંગ વિરુદ્વ ઉઠશે
- ભારતની વેક્સીન ઉત્પાદન અને વેક્સીન ડિલિવરી ક્ષમતા સમગ્ર માનવજાતના આ મહા સંકટમાંથી ઉગારવામાં મદદરૂપ થશે
- ભારતે હરહંમેશ પોતાના અંગત સ્વાર્થને દૂર રાખીને સમગ્ર માનવજાતના હિતાર્થે વિચાર્યું છે. ભારતની દરેક નીતિઓ પણ સમગ્ર માનવજાતના કલ્યાણને લગતી રહી છે. મહામારીના આ સંકટના સમયમાં પણ ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150થી વધુ દેશોને જરૂરી દવાઓ મોકલી છે
- ભારત જ્યારે પણ કોઇ સાથે મિત્રતાનો હાથ લંબાવે છે તો તે કોઇ ત્રીજા દેશ વિરુદ્વ નથી હોતો. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે તો તેની પાછળ કોઇ સાથી દેશને મજબૂર કરવાનો આશય નથી હોતો
- ભારતના લોકો UNના રિફોર્મ્સને લઇને જે પ્રક્રિયા ચાલી રહી છે, તેને પૂર્ણ થવાની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છે અને પ્રક્રિયા અંગે ચિંતિત પણ છે. ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અળગું રાખવામાં આવશે
- સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં પરિવર્તન, વ્યવસ્થાઓમાં ફેરફાર, સ્વરૂપમાં બદલાવ એ આજના સમયની માંગ છે
- ગત 8-9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે અને લડાઇ લડી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીથી નિપટવામાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે. એક પ્રભાવશાળી પ્રતિભાવ ક્યા છે
- જો આમ જોવા જઇએ તો ત્રીજુ વિશ્વયુદ્વ થયું નથી, પરંતુ એ અનેક અન્ય યુદ્વો થયા જેને નકારી ના શકાય. અનેક ગૃહયુદ્વ પણ થયા. અનેક આતંકી હુમલાઓમાં ખુનની નદીઓ વહી, ખુંવારી થઇ, તારાજી સર્જાઇ. આ યુદ્વો અને હુમલાઓમાં જે માસુમ માર્યા ગયા તે પણ આપણી જેમ જ માનવ હતા. એ સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ પર્યાપ્ત હતા.?
- આજે વિશ્વ અલગ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. સમગ્ર વિશ્વ કોરનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. આજે આપણે ગંભીર આત્મમંથન કરવાની આવશ્યકતા છે.
(સંકેત)