- મોદી સરકારનું મોટું પગલું
- રાજ્યોને 670 નવી ઇલેક્ટ્રિક બસોની ભેટ
- 241 ચાર્જિંગ સ્ટેશનોને પણ અપાઈ મંજૂરી
દિલ્લી: દેશમાં પર્યાવરણ પ્રદુષણ અને ઇંધણ જેવા પડકારો સામે પહોંચી વળવા માટે મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારે ‘ફેમ ઇન્ડિયા’ના બીજા તબક્કામાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને ચંદીગઢ માટે 670 નવી ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને પોર્ટ બ્લેરમાં પણ 241 ચાર્જિંગ સ્ટેશનોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે મોદી સરકાર પર્યાવરણને અનુકુળ પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર, ખુદ છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોને લઈને તેનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. તેમણે અન્ય લોકોને પણ આવી ગાડીઓનો ઉપયોગ કરવા પ્રેરણા આપી છે.
જાવડેકરે શુક્રવારે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કાની માહિતી આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના પ્રચાર અને પ્રસારમાં વધારો થઈ રહ્યો છે. હું છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિક ગાડીનો ઉપયોગ કરું છું. એક રૂપિયાનો કિલોમીટર ફયુલ ચાર્જ છે. એક યુનિટમાં આ ગાડી દસ કિલોમીટર ચાલે છે. હવે ઘણાં વાહનો આવવા લાગ્યા છે, જે સસ્તા પણ છે અને સારા પણ છે.
કેન્દ્રીયમંત્રી જાવડેકરે મોદી સરકારના ફેમ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ઇલેક્ટ્રિક બસોના સંચાલનના નિર્ણયને એતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોમાં પહેલેથી જ ચારસોથી વધુ બસો આપવામાં આવી છે. તેમણે કહ્યું, મને ખુશી છે કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને ચંદીગઢમાં 670 ઇ-બસોને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ, 241 ચાર્જિંગ સ્ટેશન એમપી, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને પોર્ટ બ્લેયર માટે મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના આવશ્યક છે.
કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે, કુલ 670 માંથી 240 મહારાષ્ટ્રને, 250 ગુજરાતને, 80 ચંડીગઢને અને 100 ગોવામાં બસો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળ સહિત અન્ય સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યા છે. તે જ રીતે, દેશમાં ઇલેક્ટ્રિકલ વાહનો મોટા પાયે દોડવાનું શરૂ કરશે. તેમણે દરેકને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
ખરેખર, મોદી સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ઝડપી ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ફેમ ઇન્ડિયા યોજના 1 એપ્રિલ, 2015થી લાગુ કરી હતી. આ યોજનાનો બીજો તબક્કો 1 એપ્રિલ, 2019 થી આગામી ત્રણ વર્ષ માટે શરૂ થયો છે. આ યોજના પર 2021-22 સુધીમાં કુલ 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનોના ઝડપી ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
_Devanshi