– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
આપનો દેશ સ્વતંત્રતા માટે ઝઝૂમી રહ્યો હતો. દેશને સ્વતંત્ર કરવા માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું પોતાના પ્રાણો ન્યોછાવર કર્યા અને એ રીતે દેશને આઝાદી મળી. આઝાદી મેળવ્યા પછી દેશના સર્વાંગી વિકાસનું શું ? અંગ્રેજોએ એમની સામ્રાજ્યવાદની ભૂખ સંતોષવા આપણી મૂળ ભારતીય સંસ્કૃતિની વિરાસતને ખૂબ નુકસાન પહોચાડ્યું હતું ! આપણા દેશની ભારતીય સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કઈ રીતે કરી શકાય ? એવા અનેક પ્રશ્નો એ સમયે દેશના રાષ્ટ્રચિંતકોમાં સતત ચાલ્યા કરતા હતા એવામાં ૨૫ મી સપ્ટેમ્બરે ૧૯૧૬ ના દિવસે આપણા દેશને એક પ્રખર ભારતીયસંસ્કૃતિના આરાધક વિચારક જનસેવક અને રાજનીતિજ્ઞ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મળ્યા!
મથુરાથી આશરે ૨૬ કિલોમીટર દૂર ચંદ્રભાણ ગામમાં જાણીતા જ્યોતિષશાસ્ત્રી શ્રી ભગવતી પ્રસાદ અને ધર્મનિષ્ઠ શ્રીમતી રામપ્યારીજીને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થઇ અને એ પુત્રરત્ન એટલે આપણા રાષ્ટ્રરત્ન પંડિત દીનદયાળ ઉપાધ્યાય . દીનદયાળજી ની ઉમર હજુ ત્રણ વર્ષની પણ નહિ થઇ હોય અને એમના પિતાનો સ્વર્ગવાસ થયો ! માતા રામપ્યારી ને એમના પતિના અકાળ અવસાનથી દુનિયા અંધકારમય લાગવા માંડી . ટુંકજ સમયમાં માતા રામપ્યારીજીને ક્ષયનો રોગ થયો પિતાના મૃત્યુનું દુઃખ હજુ ભુલાયું નહોતું ને ત્યાં માતા પણ સ્વર્ગવાસી થયા. દીનદયાળજીએ માત્ર આંઠ વર્ષની ઉંમરમાં માતાપિતાની વ્હાલસભર છત્રછાયા ગુમાવી તેમનો બાળપણનો ઉછેર મામા મામીને ત્યાં મોસાળ માં થઇ રહ્યો હતો અને કુદરતે શું ધાર્યું હશે. પરિવારમાં પહેલા માતા પિતા ત્યારબાદ એક પછી એક એમ નાના નાની માતૃતુલ્ય મામી દીનદયાળજી ના નાના ભાઈ શિવદયાળ આ તમામના અકાળે એક કે બીજા કારણોસર મૃત્યુ થયા ! રમવા કૂદવાની હળવીફૂલ બાળપણની ઉંમરમાં સ્વજનોને ગુમાવ્યાનું અપાર અને અસહ્ય દુઃખ દીનદયાળજીના ભાગ્યમાં ભોગવવાનું આવ્યું. ૧૯ ૨૦ વર્ષ સુધીની યુવાવયમાં પહોંચી ચૂકેલા દીનદયાળજી એ મૃત્યુદર્શનનો ખૂબ નજીકથી સાક્ષાત્કાર થયો ! કુદરતના ખોળે અને હરિભરોસે દીનદયાળજી શાળાજીવનમાં પ્રવેશ્યા વિકટમાં વિકટ પારિવારિક પરિસ્થિતિએ દીનદયાળજી ના વ્યક્તિત્વને વિખરવા ના દીધું . દીનદયાળજી એ જાત મહેનતે પોતાના પરિશ્રમે અંધારામાં દીવો પ્રગટે અને અજવાળું થાય એમ આત્મવિકાસ કર્યો. રાજસ્થાનમાં દસમા ધોરણની પરીક્ષામાં શિક્ષણબોર્ડ માં પ્રથમ સ્થાન મેળવ્યું ૧૯૩૭ ની સાલમાં પીલાનીમાં ઇન્ટરમીડિએટની પરીક્ષામાં ફરીવાર બોર્ડમાં પ્રથમ સ્થાને ઝળક્યા એમની આ સફળતા માટે એમને સુવર્ણચંદ્રક અને શિષ્યવૃત્તિઓ મળી . ૧૯૩૯ માં સનાતનધર્મ કોલેજમાં બી.એ ની પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા . અંગ્રેજી વિષયમાં એમ.એ કરવા આગ્રા સ્થિત સેન્ટ જોન્સ કોલેજમાં પ્રવેશ લીધો ત્યાં પણ એમણે પ્રથમ શ્રેણીમાં સ્થાન મેળવ્યું . એમની તેજસ્વી શિક્ષણયાત્રા દિનપ્રતિદિન એમની અથાગ મહેનતે વધારે ને વધારે ઉજળી થતી ગઈ પણ પારિવારિક આપદાઓ એમને સતત દુઃખ આપ્યા કરતી . એમની શિક્ષણયાત્રા સફળતાનાં શિરમોર શિખર તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક એમની બહેનનું સ્વાસ્થ્ય કથળ્યું તેઓ એમની બહેનની સેવામાં જોડાયા દુર્ભાગ્યવશ એમની બહેને પણ માંદગીમાં જીવ ગુમાવ્યો . પરિવાર પર એમના જન્મ સમયથી આવી રહેલી અણધારી વેદનાઓ અને છેલ્લે પોતાની બહેનના મૃત્યુથી તેઓ અંદરથી હચમચી ગયા. હવે એમના પરિવારમાં ખાલી વડીલ તરીકે એમના મામા જ હયાત હતા દીનદયાળજી ની તેજસ્વીતા જોઈ મામાએ પ્રશાસન અધિકારીની પરીક્ષાઓ આપવા સૂચવ્યું. દીનદયાળજીએ પરીક્ષાઓ આપી એમાં સફળતા પૂર્વક ઉત્તીર્ણ થયા પણ અંગ્રેજ સરકારની ગુલામી જેવી નોકરી એમણે ના સ્વીકારી ! દીનદયાળજી મનોમન સ્વરાષ્ટ્રને સમર્પિત થવા માટે તૈયાર થઇ ગયા હતા .
દીનદયાળજી ઇસ ૧૯૩૭ માં જયારે કાનપુરથી બી.એ કરી રહ્યા હતા ત્યારે એમની કોલેજ ના સહાધ્યાયી મિત્ર બાલુજી મહાશબ્દેના પરિચયમાં આવ્યા બાલુજી એ તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નો પરિચય કરાવ્યો એમની મદદથી તેઓ કાનપુરમાં જ તેઓ સંધના સંસ્થાપક ડૉ કેશવરાવ હેડગેવારજીના સાનિધ્યમાં આવ્યા ત્યારબાદ દીનદયાળજી એ સંધના પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને તેઓ સંઘના પૂર્ણકાલીન સ્વયંસેવક પ્રચારક બન્યા ! અને પોતાનું જીવન રાષ્ટ્રકલ્યાણ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના માધ્યમથી દેશને સમર્પિત કર્યું. ગુરુ ગોલવેલકરજી ની પ્રેરણાથી તેઓ સંઘના માધ્યમથી રાજનીતિ માં આવ્યા. ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ ના દિવસે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની અધ્યક્ષતામાં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી દીનદયાળજીને જનસંઘમાં મહામંત્રી ની જવાબદારી આપવામાં આવી. પંડિત દીનદયાળજી નું રાષ્ટ્રકલ્યાણ માટેનું જીવન સમર્પણ અને રાષ્ટ્રવિકાસ માટેનું તાત્વિક રાષ્ટ્રચિંતન જોઈને ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી એ એમ કહેલું કે ” જો મને આવા બે દીનદયાળ મળે તો હું ભારતીય રાજનીતિ નો નકશો બદલી નાખું !” ૧૯૬૭ સુધી તેઓ ભારતીય જનસંઘના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવતા રહ્યા ! ૧૯૬૭ માં ઉપાધ્યાયજી ની રાષ્ટ્રકલ્યાણ ના કાર્યો માટે અખૂટ ઉર્જા જોઈ ને અધ્યક્ષ બનાવવામાં આવ્યા એમણે રાષ્ટ્રકલ્યાણ માટે જનસંઘનું સંગઠન વધારે મજબૂત કરવા દેશ ભર માં પ્રવાસ કર્યો .
પંડિત દીનદયાળજી એ રાષ્ટ્ર ને ” એકાત્મક માનવ દર્શન ” ના સિદ્ધાંત સાથે રાષ્ટ્રને એક નવી દિશા આપી જે રાષ્ટ્રને મળેલી અમૂલ્ય ભેટ છે . આ એકાત્મક માનવ દર્શન અનુસાર દરેક રાષ્ટ્રજનોનો શારીરિક , માનસિક અને આત્મિક વિકાસ થાય ! રાષ્ટ્રઉદય છેવાડાના માનવી ના વિકાસ સાથે એટલે કે અંત્યોદય ના માધ્યમ થી થાય . પશ્ચિમી વિચારસરણીથી ઉપર ઉઠી આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ આધારિત સૌ કોઈની વિચારશક્તિનો વિકાસ થાય જેથી ભારત પોતાની આગવી વૈચારિક તાકાતથી અને એ પ્રમાણે ના કાર્યોથી શ્રેષ્ઠ રાષ્ટ્ર બને . તમામ ભારતીયોના જીવનની પરંપરા , કલા , દર્શન , સાહિત્ય આ જ સાચી ભારતીય સંસ્કૃતિ છે અને ભારતના રાષ્ટ્રવાદનો સાચો આધાર છે. જો આપણે આજ સંસ્કૃતિમાં દઢ નિષ્ઠા અને શ્રદ્ધા રાખીશું તો જ “એકાત્મક માનવ દર્શન ” સિદ્ધ થશે ! આજે પણ પંડિત દીનદયાળજીના આ રાષ્ટ્રવિચારો અને એકાત્મક માનવ દર્શન આપણા દેશને વધુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વિકાસની ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા આપતા રહે છે !