ICMRએ સીરો સર્વેનું પરિણામ કર્યું જાહેર, મે સુધીમાં અંદાજે 64 લાખ લોકો કોરોનાથી હતા સંક્રમિત
- ICMRએ સીરો સર્વેના પ્રથમ ચરણના પરિણામો કર્યા જાહેર
- સર્વે અનુસાર મે મહિના સુધી દેશમાં અંદાજે 64 લાખ લોકો કોરોનાથી થયા સંક્રમિત
- ગામના અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશભરના પહેલા ચરણના સીરો સર્વેના પરિણામોની જાહેરાત કરી દીધી છે. આ પરિણામો ચોંકાવનારા છે. સર્વે અનુસાર મે મહિના સુધી દેશમાં અંદાજે 64 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા. પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે આ સર્વે કરવામાં આવ્યો છે. મે સુધી 0.73 ટકા વ્યસ્ક એટલે કે 64 લાખ (64,68,388) લોકો કોરોના વાયરસથી સંપર્કમાં આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સીરો સર્વેમાં ગામના અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું પણ સામે આવ્યું છે.
સર્વેના પરિણામ
ICMR મુજબ, આ સર્વે 11 મેથી લઈને 4 જૂનની વચ્ચે કરાવવામાં આવ્યો. આ દરમિયાન 28,000 વયસ્કોના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો. આ સર્વે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થયો. વિસ્તારોના હિસાબથી પોઝિટિવિટી આવી રીતે રહી- ગ્રામિણ- 69.4%, શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તાર- 15.9%, શહેરી નોન-સ્લમ વિસ્તાર- 14.6%. ઉંમરના હિસાબથી પોઝિટિવિટી રેટ આ પ્રકારે રહ્યો 18-45 વર્ષ- 43.3% , 46-60 વર્ષ- 39.5% , 60 વર્ષથી ઉપર- 17.2%.
દેશભરમાં કોવિડ-19ના કેસની સંખ્યા 40 લાખના આંકને પાર થઇ ચૂકી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચિકિત્સા સુવિધાઓના માળખાના અભાવને કારણે ત્યાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે. ભારતની 1.3 અબજ વસ્તીના 65 ટકા હિસ્સો ગામોમાં છે અને દેશમાં 714 જીલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે.
શું હોય છે SERO SURVEY?
આ સર્વે પાછળનો મુખ્ય આશય દેશના ક્યા જિલ્લા અને શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઇને ઠીક થઇ ચૂક્યા તે જાણવાનો છે. શરીરમાં ઉપસ્થિત એન્ટિબોડીથી તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપરાંત કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધી રહ્યો છે કે નહીં તે પણ જાણી શકાય છે. આપને જણાવી દઇએ કે ચાલુ વર્ષે મે મહિના દરમિયાન દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકડાઉન દરમિયાન સીરો સર્વેનું પ્રથમ ચરણ હાથ ધરવામાં આવ્યું હતું.
(સંકેત)