– લૉન મોરેટોરિયમ પર આજે સુપ્રીમમાં થઈ સુનાવણી
– સુપ્રીમે કેન્દ્રને કહ્યું છેલ્લી વખત સુનાવણી ટાળી રહ્યા છીએ
– આ કેસમાં તમામ પક્ષકારો તેમનો જવાબ રજૂ કરે: SC
આજે સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ કેસને લઈને સુનાવણી હતી. સુપ્રીમે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે આ કેસને વારંવાર ટાળવામાં આવી રહ્યો છે. હવે આ મામલો છેલ્લી વાર ટાળવામાં આવી રહ્યો છે અને એ પણ અંતિમ સુનાવણી માટે. આ કેસમાં તમામ પક્ષકારો તેમનો જવાબ રજૂ કરે અને નક્કર યોજના સાથે કોર્ટમાં આવે.
આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતા 31 ઓગસ્ટ સુધી જે લોન એકાઉન્ટ NPA ના હોય તેવા લૉન ડિફોલ્ટર્સને NPA જાહેર નહીં કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય આપ્યો છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, આ મામલે ઉચ્ચ સ્તરે વિચારણા થઈ રહી છે. રાહત માટે બેન્કો તેમજ અન્ય હિસ્સેદારોના હિતમાં ચર્ચા માટે બે-ત્રણ બેઠક યોજાઈ છે. કેન્દ્ર સરકારે બે સપ્તાહનો સમય માંગ્યો હતો જેને પગલે કોર્ટે સાવલ કર્યો હતો કે બે સપ્તાહમાં શું થવાનું છે? તમારે વિવિધ ક્ષેત્રો માટે કંઈક નક્કર કરવું પડશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં વધુ સુનાવણી 28 સપ્ટેમ્બરના કરાશે.
નોંધનીય છે કે, કોરોના વાયરસને પગલે લાગુ થયેલા લોકડાઉન વખતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનધારકોને 31 ઓગસ્ટ સુધી ત્રણ મહિના માટે લોનના ઈએમઆઈ ચુકવવામાંથી મુક્તિ આપતી મોરેટોરિયમ યોજના જાહેર કરી હતી. હવે મોરેટોરિયમ સમયગાળો સમાપ્ત થઈ ગયો છે. મોરેટોરિયમ ગાળો સમાપ્ત થતા બેન્કો ગ્રાહકો પાસેથી નાણાં વસુલવા ઈમેલ, ફોન તેમજ એસએમએસ કરી રહી છે અને બેન્કો વ્યાજ પર વ્યાજની માગ કરી રહી છે.
(સંકેત)