– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
આપણાં દેશની આઝાદી માટેનો સ્વતંત્રતા માટે સ્વતંત્રતા સંગ્રામની ઘટનાઓ , દેશ માટે પોતાના સમય અને પ્રાણનું બલિદાન આપનારા રાષ્ટ્રસેવકો આપણને આજે પણ દેશપ્રેમ માટે અને દેશ માટે કંઈક કરી છૂટવા પ્રેરણા આપતા રહે છે આ સ્વતંત્રતા સંગ્રામમાં એવા પણ સ્વતંત્રતા સેનાનીઓ હતા જેમના એ સમયે લીધેલા નિર્ણયો નો લાભ આપણે આજે પણ મેળવીએ છીએ . સ્વતંત્રતા સંગ્રામ સમયના આવાજ એક સંકલ્પ,સાહસ અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત સ્વતંત્રતા સેનાની ભારત રત્ન શ્રી ગોવિંદ વલ્લભ પંત ને યાદ કરવા છે .જેમ કુદરતના ખોળામાં આપણે બેઠા હોઈએ અને વહેલી સવારે પહાડોની વચ્ચે થી સુરજ ઉગે એમ ૧૦ સપ્ટેમ્બર ૧૮૮૭ ના દિવસે ઉત્તરાખંડના બ્રાહ્મણ પરિવારના ખોળે અલ્મોડાના પહાડી વિસ્તારમાં આવેલા ખૂંટ ગામમાં એક રાષ્ટ્રસૂર્ય નો જન્મ થયો સામાન્ય રીતે પહાડી દુર્ગમ વિસ્તારમાંથી આવતા વ્યક્તિઓ એમના જીવનનું નિર્માણ કરવા માટે ઓછા સક્ષમ હોય છે એવી એક ગેરમાન્યતા પંતજી એ ભારતરત્ન બનીને ખંડિત કરી. એમની રાષ્ટ્રસેવાથી એમણે આખા દેશમાં સેવાની સુગંધ પ્રસરાવી પહાડી વિસ્તારમાં જન્મેલા ઉછરેલા ગોવિંદજી એ ૧૯૦૫ માં અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો ૧૯૦૯ માં વકીલાતનું શિક્ષણ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યું ભણતરમાં ખૂબ તેજસ્વીતા અને એમના જ્ઞાનરસ ના લીધે એમને કોલેજમાં ” લેમ્સડેન એવોર્ડ ” થી સન્માનવામાં આવ્યા .૧૯૧૦ માં ગોવિંદજી એ અલ્મોડામાંજ વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો . વકીલાતની શરૂઆતથી જ તેઓ એમની કાર્યશૈલી સત્યતાના મજબૂત પાયા પર નિર્માણ કરતા રહ્યા. વ્યવસાયમાં અસીલો એમને સાચી માહિતી ના આપે તો તેઓ એમનો કેસ સ્વીકારતા જ નહીં. વકીલાતનો વ્યવસાય કરતા કરતા તેમણે ૧૯૧૪માં કાશીપુરમાં “પ્રેમસભા” નામનું સમાજસેવા અને સાહિત્યસેવાને સમર્પિત સંગઠન બનાવ્યું આ સંગઠને સવિશેષ રાષ્ટ્રીય શિક્ષા અને સાહિત્ય માટે લોકોમાં નવચેતના લાવવાનું ભગીરથ કાર્ય કર્યું . શિક્ષા માટે સ્થાનિક સ્તરે આ સંગઠનના કાર્યનો અસરકારક પ્રભાવ એવો રહ્યો કે કાશીપુરમાં બ્રિટિશરાજ દ્વારા ચલાવવામાં આવતી શાળાઓ ના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉભો થયો.
સ્વતંત્રતાસંગ્રામ દરમિયાન ૧૯૨૧ની સાલમાં ગાંધીજી દ્વારા શરુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલનમાં તેઓ સમાજસેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરાયા અને રાષ્ટ્ર માટે વધારે જોમથી કાર્ય કરવા લાગ્યા. ૯ ઓગસ્ટ ૧૯૨૪ નો દિવસ ઉત્તરપ્રદેશના સ્વતંત્રતા માટે લઢતા નવયુવાનોએ કાકોરી જિલ્લા પાસે સરકારી ખજાનો લઈ જતી ટ્રેનમાં લૂંટ ચલાવી .એ યુવાનોને બચાવવા માટે એમના વકીલાત ના કૌશલ્યનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો . ૧૯૨૭માં રામપ્રસાદ બિસ્મિલ અને એમના ત્રણ સાથીઓને બચાવવા માટે પંડિત મદનમોહન માલવિયાજી સાથે એમણે વાઇસરોય ને પત્ર લખ્યો પણ દુર્ભાગ્યવશ એમને ના બચાવી શકાયા .૧૯૨૮માં સાઈમન કમિશન નો છડેચોક બહિષ્કાર અને ૧૯૩૦ માં ગાંધીજી પ્રેરિત મીઠાના સત્યાગ્રહમાં એમની સક્રિયતા નોંધપાત્ર રહી . એમની સેવાકીય પ્રવૃત્તિઓ અને નેતૃત્વ શક્તિના લીધે ૧૭ જુલાઈ ૧૯૩૭ થી ૨ નવેમ્બર ૧૯૩૯ સુધી બ્રિટિશ ભારતના સંયુક્ત પ્રદેશ ઉત્તરપ્રદેશ ના સૌ પ્રથમ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એ પછી આપણું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું . ૧૯૫૪ સુધી એમણે ઉત્તરપ્રદેશ ને ઉત્તમપ્રદેશ બનાવવા માટે મુખ્યમંત્રી તરીકે અથાગ પરિશ્રમ કર્યો . સરદાર વલ્લભભાઈ પટેલ પછી એમણે દેશના ગૃહમંત્રાલય નો ગૃહમંત્રી તરીકેનો મહત્વનો કાર્યભાર સંભાળ્યો આ દરમિયાન તેમના સાહિત્યિક લગાવ અને ભાષાપ્રેમ ના કારણે હિંદીભાષા ને રાષ્ટ્રભાષા નો દરજ્જો આપવાના ભગીરથ કાર્યમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. જમીનદારી પ્રથા હટાવવા માટે તેમણે અસરકારક નિર્ણયો લીધા. સતત રાષ્ટ્રસેવા અને સમાજસેવાના કારણે ૧૯૫૭ માં ચાલુ ગૃહમંત્રીકાળ દરમિયાન તેમને દેશના સર્વોચ્ચ ગૌરવ “ભારતરત્ન ” થી સન્માનવા માં આવ્યા .
સમગ્ર જીવન દેશ માટે અને દેશ નિર્માણ માટે સમર્પિત રહ્યા . વ્યક્તિગત જીવનમાં અસંખ્ય અને અસહ્ય તકલીફોનો સામનો એમણે સહજતાથી કર્યો. આ ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી પણ એવા વિરલ વ્યક્તિ હતા કે જીવનનો મોટાભાગ નો સમય સરકાર ના ઉચ્ચ હોદ્દા ઉપર હોવા છતાં એમણે એમના ચા નાસ્તા નો ખર્ચ હંમેશા પોતાના ખિસ્સા માંથી કાઢ્યો સરકાર પાસેથી ક્યારેય નથી લીધો . એક હળવોફૂલ પ્રસંગ એમના જીવનનો યાદ કરીએ તો એક વાર પંતજી એ મિત્રો માટે સ્નેહમિલન ભોજન નું આયોજન કર્યું. ભોજન સમારંભમાં ઝપાટાભેર ભોજન ની લિજ્જત ઉડાવી બધા એ જમી લીધું . બધા જ સ્નેહીઓ એ જમી લીધા બાદ એમના એક મિત્ર રફી અહમદજી સંજોગોવશાત મોડા આવ્યા અને સ્નેહમિલન ના સ્થળે દરવાજે આવીને બૂમ પાડી ” પંતસાબ જૂતા ઉતારું કયા ? પંત સાહેબે કટાક્ષ સાથે એમની હળવી શૈલીમાં જવાબ આપ્યો કે ” અરે યાર ! જૂતા ઉતારોગે તો ખાઓગે કયા ? !! આટઆટલા સંઘર્ષો છતાં એમના સ્વભાવમાં સહજતા, સરળતા અને હળવાશ કાયમ રહી અને ચાલુ ગૃહમંત્રી કાર્યકાળ દરમિયાન પહાડમાંથી ઉગેલો આ રાષ્ટ્રનો સૂરજ ૭ માર્ચ ૧૯૬૧ ના દિવસે અચાનક જ આથમી ગયો . ભાષા પ્રમાણે રાજ્યોની વહેંચણી , સવિશેષ રાષ્ટ્રશિક્ષા માટે તેમણે કરેલા અનેક કાર્યો અને હિંદી ભાષાને રાષ્ટ્રગૌરવ આપવા તેમણે આપેલું યોગદાન લોકહૈયે સદાય જીવંત રહેશે!
રાષ્ટ્ર વિચાર
હિંદીભાષા નો પ્રચાર અને વિકાસ કોઈ રોકી નહીં શકે !
– ગોવિંદ વલ્લભ પંત