- સિગ્નસ અવકાશયાનનું નામ કલ્પના ચાવલાના નામ પર રખાયું
- નાસાએ ફેસબુક પેજ દ્વારા આ અંગે આપી માહિતી
- અંતરિક્ષયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કરાશે મુક્ત
નવી દિલ્લી: એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમૈન કોર્પોરેશને તેનું લોન્ચ થનાર સિગ્નસ અવકાશયાનનું નામ ભારતીય મુળની અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પર રાખ્યું છે. અંતરિક્ષયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મુક્ત કરવામાં આવશે. નાસાએ ફેસબુક પેજ દ્વારા આ અંગે માહિતી આપી છે. કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી હતી. 2003 અને અવકાશયાન દુર્ઘટનામાં તે અને છ સાથીઓ દુ:ખદ મૃત્યુ પામ્યા હતા.
કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962 ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. તે ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. બાળપણમાં કલ્પનાને ‘મોન્ટુ’ તરીકે ઓળખવામાં આવતી હતી. તેમનો પ્રારંભિક અભ્યાસ કરનાલના ટાગોર બાલ નિકેતન ખાતે થયો હતો. તેનું સ્વપ્ન પૂરું કરવા માટે તેણે પંજાબની એન્જિનિયરિંગ કોલેજ, ચંડીગઢમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બીટેક પૂર્ણ કર્યું હતું. સપના પૂરા કરવા નાસા જવું જરૂરી હતું. આ હેતુ માટે તે 1982માં અમેરિકા ચાલી ગઈ હતી. તેણે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ.ટેક કર્યું હતું. ત્યારબાદ કોલોરાડો યુનિવર્સિટીમાંથી ડોક્ટરની પદવી મેળવી.
કલ્પના ચાવલા 1988માં નાસામાં જોડાયા હતા. તેમની નિમણૂક નાસાના રીસર્ચ સેન્ટરમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તે માર્ચ 1995માં નાસાના અવકાશયાત્રી કોરમાં સામેલ થઈ. લગભગ આઠ મહિનાની તાલીમ બાદ તેમણે 19 નવેમ્બર 1997 ના રોજ પ્રથમ અવકાશ મિશનની શરૂઆત કરી. ભારત સહિત આખી દુનિયાએ તેમની ટીમને ખુશામત આપી અને શુભેચ્છા પાઠવીને આ યાત્રા પર મોકલી હતી.
કલ્પના ચાવલાએ 19 નવેમ્બર 1997 માં પ્રથમ અવકાશ મિશન શરૂ કર્યું હતું. ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. તેણે 6 અવકાશયાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલમ્બિયા એસટીએસ -87 ઉડાન ભરી હતી. કલ્પનાએ તેના પ્રથમ મિશન દરમિયાન લગભગ 372 કલાક અવકાશમાં વિતાવ્યા અને 1.04 મિલિયન માઇલની મુસાફરી કરી હતી.
અંતરિક્ષમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા કલ્પના ચાવલાની બીજી અવકાશયાત્રા તેની છેલ્લી યાત્રા સાબિત થઈ. પરત ફરતી વખતે પૃથ્વીના વાયુમંડળમાં અવકાશયાનના પ્રવેશ સમયે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલમ્બિયા અવકાશયાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશતાની સાથે જ તૂટી પડ્યું. અવકાશયાનના અને તેમાં સવાર સાત મુસાફરોના અવશેષો ટેક્સાસ નામના શહેરમાં પડ્યા અને સફળ નામની આ સફર દુર્ઘટના બની. તે નાસા અને વિશ્વ માટે આઘાતજનક ઘટના હતી.
_Devanshi