- મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશના લોકો માટે ખુશખબર
- મધ્યપ્રદેશની સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો
- સરકારે સ્ટેમ્પ ડ્યુટી પરની સેસ 3 ટકાથી ઘટાડી 1 ટકા કરી
મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશના લોકો માટે ખુશખબર છે. મહારાષ્ટ્ર પછી હવે મધ્યપ્રદેશના લોકોને ઘરનું ઘર ખરીદવું સસ્તું બનશે. મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારે સ્ટેમ્પ ડ્યુટી સેસમાં બે ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ભોપાલ, ઇન્દોર, જબલપુર સહિતના જીલ્લાઓમાં સામાન્ય વ્યક્તિને મિલકત ખરીદવામાં રાહત મળશે. શહેરી વિસ્તારમાં મિલકત ખરીદી અને વેચાણ પર 1 ડિસેમ્બર સુધી સરકારે સ્ટેમ્પ ડ્યુટી પરની સેસ 3 ટકાથી ઘટાડીને 1 ટકા કરી છે. આપને જણાવી દઇએ કે અગાઉ મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કર્યો હતો જેને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવકાર્યો હતો.
આ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે અને આગામી સમયમાં આ જ પ્રકારે વધુ પગલાંની જાહેરાત કરવામાં આવશે. લોકડાઉનને પગલે આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઇ હતી અને રિયલ એસ્ટેટ સેક્ટરને પણ ફટકો પડ્યો હતો. તેથી આ પગલાંથી અમે અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા ઇચ્છીએ છીએ. રાજ્ય સરકારના આ નિર્ણયથી મિલકત ખરીદ-વેચાણને વેગ મળે તેવી આશા છે.
આપને જણાવી દઇએ કે અગાઉ મહારાષ્ટ્રની સરકારે 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી સ્ટેમ્પ ડ્યુટી 3 ટકા અને 1 જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 સુધી 2 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર ઉત્પાદન કરતા ક્ષેત્ર પૈકીનું એક છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાથી વેચાણ અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પુનઃ ચેતનવંતુ બની શકશે તેમ નિષ્ણાતોનું માનવું છે.
(સંકેત)