ડૉ. અતુલ ઉનાગર
ખરેખર તો આપણને ગમતો વ્યવસાય મળવો જ જોઈએ. પણ થાય છે એવું કે અનેક લોકો પણ આપણી જ પસંદગીના વ્યવસાયને ચાહતા હોય છે. ઘણીવાર ઉમેદવારોની લાંબી હરોળને કારણે અમુક ચોક્કસ કામ દરેકને નથી મળતું હોતું. અમુક વ્યવસાયો એવા હોય છે કે જેને ચાહવા વાળાઓ અનેકગણા હોય છે. આથી એવું પણ બનતું હોય છે કે આપણું પ્રિય કામ આપણને નથી પણ મળતું હોતું.
અમુક બાબતોને સાચી રીતે સમજવાની જરૂર છે. જેમ કે ‘વિવેક’ નામનો એક હોનહાર યુવાન છે. તેને ભણાવવું એ ગમતું કામ છે. પણ તે મેરીટના અભાવને કારણે શિક્ષક બની શકતો નથી. હવે તેને અહીં મનગમતું કામ નથી મળ્યું, તો સ્વાભાવિક જ છે કે ‘વિવેક’ અન્ય વ્યવસાયને ન્યાય નહીં આપી શકે. આવા સંજોગોમાં વિવેકે શું કરવું જોઈએ? આ સંદર્ભમાં આ ઉત્તરની નોંધ તૈયાર કરીએ. નોંધ લખીને જ આગળ વધવું.
એક બીજું ઉદાહરણ પણ સમજીએ ‘અક્ષરા’ નામની એક વિદ્યાર્થિનીનું બાળપણથી જીવનધ્યેય છે કે તે ‘સ્વસ્થ અને નિરામય’ ભારતનું નિર્માણ કરશે. આથી તેને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે ડૉક્ટર બનવું હતું. ગુણાંકન લાયકાતના અભાવને કારણે તેને ચિકિત્સા વિદ્યાશાખામાં પ્રવેશ મળતો નથી. તેનું બાળપણથી ડૉક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું. અનેક પ્રયત્નો કર્યા પછી પણ તેની પાસે ડૉક્ટર બનવાનો એક પણ વિકલ્પ બચ્યો નહીં. તેના જીવનની આપ કલ્પના કરી શકો છો. આવાં સંજોગોમાં ‘અક્ષરા’એ શું કરવું જોઈએ તેના જવાબોની નોંધ તૈયાર કરીને પછી આગળ વધો.
વિષયને થોડોક વધારે ઊંડાણથી સમજવા માટે ત્રીજું ઉદાહરણ જોઈએ. ‘અનન્યા’ નામની એક યુવતી છે. તેનું બાળપણથી એક સ્વપ્ન છે કે તે મોટી થઈને મહિલા-વિકાસ માટે જ કામ કરશે. અનન્યાએ કાયદાનું શિક્ષણ મેળવીને સ્ત્રી – પુરુષમાં સમાનતા, દહેજપ્રથા, બળાત્કાર, સ્ત્રીઓનું શોષણ, વગેરે કુરીવાજો દૂર કરી સ્ત્રી-સશક્તિકરણના કાયદાઓ બનાવવાનું નક્કી કર્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે વકીલ બનીને મહિલાઓની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે. પણ કોઈ કારણોસર તે શિક્ષણ પૂરું કરી શકતી નથી. તેનું જીવન-સ્વપ્ન ધૂળમાં રોળાઈ ગયું છે. વિચારો અને નોંધો આવાં સંજોગોમાં અનન્યાએ શું કરવું જોઈએ? ઉપર્યુક્ત નોંધ લખી લીધા પછી જ આગળ વધવું.
ઉપર્યુક્ત ત્રણેય ઉદાહરણોના સંદર્ભમાં વધારે વિચાર – મંથન થવું જોઈએ. પ્રથમ ઉદાહરણનો ‘વિવેક’ શિક્ષક બની શક્યો નથી. પણ તે ‘મામલતદાર પરીક્ષા’ ઉત્તિર્ણ થઈ ગયો. તો શું તેમણે રાજ્ય સરકારની આ નોકરી સ્વીકારી લેવી જોઈએ? અને શું વિવેકનું આજ ક્ષેત્રમાં સારું ભવિષ્ય બનશે? કે પછી અન્ય વિકલ્પો તેમણે શોધવા જોઈએ? આ મુદ્દાને લઈને સમીક્ષાત્મક નોંધ લખીને જ આગળ વધવું.
બીજાં ઉદાહરણની ‘અક્ષરા’ તે ડૉક્ટર બની શકે તેમ નથી. હાલમાં ધોરણ ૧૨ (HSC) પછી તેમને મેરીટના અભાવને કારણે તેને ચિકિત્સા વિદ્યાશાખામાં પ્રવેશ મળ્યો નથી. તો શું હવે તેનું ભવિષ્ય અંધકારમય બની જશે? કે પછી અક્ષરાએ હવે B.Sc., B, Tech, B.B.A., B. Com., B.E વગેરે ક્ષેત્રમાંથી કોઈ એક ક્ષેત્રમાં પ્રયત્ન કરવો જોઈએ? કે પછી અન્ય વિકલ્પો તેમણે શોધવા જોઈએ? આ મુદ્દાને લઈને સમીક્ષાત્મક નોંધ લખીને જ આગળ વધવું.
ત્રીજાં ઉદાહરણની ‘અનન્યા’ને વકીલાતનો વ્યવસાય મળ્યો નથી. અનન્યા તેના પિતાજીનું એકનું એક જ સંતાન છે. તેમના પિતાજીની ખ્યાતનામ કંપની છે. રાજ્યની પ્રથમ દસ કંપનીઓમાં તેની ગણના થાય છે. આ કંપની ખૂબજ સમૃદ્ધ છે તે તેમના પિતાજીના જીવનભરના પુરુષાર્થનું પરિણામ છે. તેના પિતાજી આ સમૃદ્ધ કંપનીની જવાબદારી પોતાની પ્રિય દીકરીને આપવા ઈચ્છે છે. તો શું ‘અનન્યા’એ પોતાના પિતાજીની આ જાગીર (કંપની)નું ઉત્તરદાયિત્વ સ્વીકારી લેવું જોઈએ? કે પછી અન્ય વિકલ્પો તેમણે શોધવા જોઈએ? આ મુદ્દાને લઈને સમીક્ષાત્મક નોંધ લખીને જ આગળ વધવું.
ઉપર્યુક્ત ત્રણેય ઉદાહરણોના સંદર્ભમાં વધારે અનુશીલન થવું જોઈએ. ખાસ કરીને તો આ ત્રણેયને જે બનવું છે તે શા માટે બનવું છે તે બરાબર તપાસી લેવું જોઈએ.
પ્રથમ ઉદાહરણનો ‘વિવેક’ જે શિક્ષક બની શક્યો નથી. પ્રથમ ઉદાહરણના સંદર્ભમાં આ બાબતને ધ્યાનથી સમજીએ. જો વિવેકની સાચા અર્થમાં કેળવણી આપવાની ઉત્કંઠ ઈચ્છા હોય, તે સાચી રીતે માવજત કરી વ્યક્તિત્વ ઘડતર કરવા ઈચ્છતો હોય, શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ જ એક માત્ર તેનું જીવન બની ગયું હોય, તો શું વિવેક માત્ર શિક્ષક બનીને જ આ જીવનકાર્ય કરી શકશે? કે આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અન્ય માર્ગો પણ ઉપલબ્ધ છે?
જેમ કે…
શિક્ષક બન્યા વગર જ વિવેક પોતાનું ધ્યેય આવી રીતે પણ પ્રાપ્ત કરી શકે છે. નીચેનાં ઉદાહરણોની આ સંદર્ભમાં સમીક્ષા કરીએ…
• વિવેક પોતાનું જીવન-શિક્ષણ કેન્દ્ર ખોલી શકે.
• શિક્ષણ ક્ષેત્રને લગતાં પુસ્તકો લખી શકે.
• કાર્યશાળાઓ, શિબિરો, સંમેલનો કરી શકે.
• શિક્ષણને લગતું સાહિત્ય નિર્માણ કરી શકે.
• કેળવણીના ક્ષેત્રમાં ફિલ્મ કે વાર્તા સ્ટોરી લખી શકે.
• ચરિત્ર નિર્માણ માટે કોઈ સંસ્થા ખોલી શકે.
• વર્તમાન પત્રોમાં કેળવણી વિષયક લેખો લખી શકે.
• શિક્ષણને લગતું સામયિક પ્રકાશિત કરી શકે.
• અધ્યયન અને અનુશીલન પ્રયોગશાળા કરી શકે.
• વિવિધ પ્રકારના અભ્યાસક્રમો તૈયાર કરી શકે.
• બાલ વિકાસ કે સંસ્કાર કેન્દ્ર ચલાવી શકે.
ઉપર્યુક્ત ઉદાહરણોની સમીક્ષા કરીને એ સ્પષ્ટતા થવી જરૂરી છે કે શું ખરેખર જીવનકાર્ય જે સાધ્ય (ધ્યેય) છે તેને અંજામ સુધી પહોંચવા માટે એક જ માર્ગ (સાધન) હોઈ શકે? કે વિકલ્પોની શૃંખલા હોય છે?
બીજા ઉદાહરણની ‘અક્ષરા’ ડૉક્ટર બની શકે તેમ નથી. તેમનું સ્વપ્ન છે કે ‘સ્વસ્થ અને નિરામય’ ભારતનું નિર્માણ કરવું. તો શું આ જીવનકાર્યને પૂર્ણ કરવા માટે તે ડૉક્ટર બનીને જ કરી શકશે? કે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોઈ શકે છે?
જેમકે…
ડોક્ટર બન્યા વગર જ ‘અક્ષરા’ પોતાનું ધ્યેય આવી રીતે પણ પ્રાપ્ત કરી શકે છે. નીચેનાં ઉદાહરણોની આ સંદર્ભમાં સમીક્ષા કરીએ…
• યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સાધના કેન્દ્ર કરી શકે.
• નગરમાં પોતાનો ઓર્ગેનિક સ્ટોર ખોલી શકે.
• વ્યસન મુક્તિ પરામર્શન સેન્ટર ચલાવી શકે.
• આયુર્વેદિક ઔષધી અને ઓર્ગેનિક ખેતી કરી શકે.
• એક્યુપ્રેસર કે સંગીત-થેરાપી પણ ચલાવી શકે.
• નેચરોથેરાપી સેન્ટરનું સંચાલન કરી શકે.
• મનોચિકિત્સક તરીકે માર્ગદર્શન કેન્દ્ર ચલાવી શકે.
• સંશોધન કેન્દ્ર કે પ્રયોગશાળા ચલાવી શકે.
• ચિકિત્સા ક્ષેત્રને લગતું સાહિત્ય નિર્માણ કરી શકે.
• સ્વચ્છતા કે પર્યાવરણ રક્ષણ માટે અભિયાનો કરી શકે.
શું ખરેખર જીવન કાર્યને પૂર્ણ કરવા માટે વિકલ્પોની શૃંખલા હોય છે? આનો બરાબર વિચાર કરવો જોઈએ.
ત્રીજા ઉદાહરણની અનન્યાનું બાળપણથી સ્વપ્ન છે કે તે મોટી થઈને ‘મહિલા વિકાસ’ માટે જ કામ કરશે. તે માટે સ્ત્રીઓ માટે દેશમાં અનેક કાયદાઓ અને નીતિઓ ઘડશે. શું આ સંકલ્પ પૂર્ણ કરવા માટે વકીલાતની ફરજિયાત છે? કે અહીં પણ વિકલ્પોની શૃંખલા હોય છે? કંપની એ ચલાવે કે કોઈ બીજો વ્યક્તિ તેનાથી કંઈ ખાસ ફરક પડતો નથી. અનન્યાનું સ્વપ્ન મોટું છે તો તેમણે કુરબાની પણ મોટી જ આપવી પડશે. અને પરિશ્રમ પણ વધારે કરવો પડશે. અનન્યાને પોતાના સ્વપ્ન માટે કંઈ પણ કુરબાન કરવાની તૈયારી હશે તો જ તે તેમનું મહાન સ્વપ્ન સાકાર કરી શકશે. આ જીવનકાર્ય માટે તેને મુખ્યપ્રધાન કે વડાપ્રધાન બનવાની પણ તૈયારી રાખવી પડશે. બાકી એવું પણ બને કે પ્રલોભનો જિંદગીનો કચ્ચરઘાણ કાઢી નાખે.
ઉપર્યુક્ત ત્રણેય ઉદાહરણો પરથી એ સિદ્ધ થાય છે કે સાધ્ય અને સાધનની સ્પષ્ટતા અનિવાર્ય છે. સાધ્ય શાશ્વત છે અને સ્થિર છે એટલે તે બદલાતું નથી. પણ જેના દ્વારા કલ્પિત પરિણામ સુધી પહોંચીએ છીએ તે સાધન (માર્ગ) છે. માર્ગ કોઈ પણ પસંદ કરો, જરૂર પડે તો માર્ગ બદલો. જરૂર પડે તો નવા માર્ગો બનાવો.
અંતે આપ બરાબર સમજી ગયા હશો કે શિક્ષક, વકીલ, મામલતદાર, સચિવ, સાંસદ, કલેકટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક વગેરે લક્ષ્ય સુધી પહોંચવાનાં માધ્યમો છે. આ પદ એ લક્ષ્ય નથી. લક્ષ્યની બરાબર સ્પષ્ટતા હશે તો માર્ગો (માધ્યમો)ના વિકલ્પો મળી રહેશે. ક્યાં જવું છે તે જ નક્કી નહીં હોય તો ઉપર્યુક્ત શિક્ષક વગેરે માર્ગો વ્યર્થ છે. બનીને પણ કોઈ અર્થ નથી. આથી જ વર્ષો સુધી પવિત્ર વ્યવસાયોમાં સેવાઓ આપ્યા પછી પણ જિંદગી નિરર્થક લાગે છે.