વાહનોના PUC ચાર્જમાં થયો વધારો, સરકારે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર માટે નવા ભાવ જાહેર કર્યા
- હવે રાજ્યના વાહનચાલકોએ PUC કઢાવવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે
- ટુ-વ્હીલર માટે 30 રૂપિયા તેમજ ફોર વ્હીલર માટે 80 રૂપિયા ચૂકવવા પડશે
- મધ્યમ અને ભારે વાહનો માટે પણ ચાર્જમાં વધારો ઝીંકાયો
હવે વાહનચાલકો માટે PUC કઢાવવું વધુ મોંઘું થશે. હકીકતમાં, રાજ્ય સરકારે હવે વાહનોનું PUC કઢાવવા માટે નવા દર બહાર પાડ્યા છે. અગાઉના ટુ-વ્હીલરો માટે PUCનો દર 20 રૂપિયા હતો જ્યારે ફોર વ્હીલર માટેનો દર 50 રૂપિયા હતો. આ દરમાં વધારો કરતા સરકારે નવા દર બહાર પાડ્યા છે.
હવે આટલા ચાર્જ ચૂકવવા પડશે
હવે રાજ્યમાં ટુ વ્હીલરના વાહનચાલકોએ PUC કઢાવવા માટે 20 રૂપિયાને બદલે 30 રૂપિયા આપવા પડશે. જ્યારે ફોર વ્હીલ માટે PUC ના ચાર્જ તરીકે 50 રૂપિયાને બદલે 80 રૂપિયા ચૂકવવાના રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના કરોડો વાહન ચાલકો પર અસર થશે.
ત્રણ પૈડાના વાહનોના દર પણ વધ્યા
ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપરાંત ત્રણ પૈડાના વાહનોના દર 25 થી વધારીને 60 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મધ્યમ અને ભારે વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો)ના દર પણ રૂપિયા 60 થી વધારીને રૂપિયા 100 કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરાવવામાં આવ્યો હતો. તે સમયે આ એક્ટ અંતર્ગત વાહનચાલકો માટે હેલ્મેટ, HSRP, નંબર પ્લેટ અને પીયૂસી ફરજીયાત કરવામાં આવ્યું હતું.
(સંકેત)